• કોઠારીયા કોલોનીમાં બગીચામાં રમવા બાબતે બાળકો વચ્ચે તકરાર થઈ હતી
  • માથાભારે શખ્સ સાગરીતોને લઇ યુવકના ઘરે પહોંચ્યો અને ભડાકે દેવાની ધમકી આપી
  • પરિવારે ઘરમાં પુરાઇ રહી સમગ્ર મામલો પોલીસને જાણ કરી

WatchGujarat. શહેરનાં કોઠારીયા કોલોનીમાં માથાભારે શખ્સનાં આતંકની ઘટના સામે આવી છે. દિનદહાડે સાગરીતો સાથે ખભે બંદૂક લટકાવી રણજીત નામનો એક નામચીન શખ્સ એક આહીર યુવકનાં ઘરે પહોંચ્યો હતો. અને અન્ય લાઠીધારી શખ્સો સાથે મળીને આતંક મચાવ્યો હતો. જો કે ભોગ બનનારે ઘરનો દરવાજો બંધ કરી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પીસીઆર વાન આવી પહોંચી હતી. અને રણજીત તેના સાગરીતો સાથે નાસી છૂટયો હતો. પણ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા કોલોનીમાં બગીચામાં રમવા બાબતે બાળકો વચ્ચે તકરાર થઈ હતી. જેનો ખાર રાખી નામચીન રણજીત ખાચર અને તેના સાગરીતો હાથમાં બંદૂક સહિતનાં હથિયારો લઈ એક યુવકનાં ઘરે પહોંચ્યા હતા. અને ‘તમે બધા બહાર નીકળો ભડાકે દઈ દેવા છે’ કહી આતંક મચાવ્યો હતો. દરમિયાન પરિવાર ઘરમાં પુરાઈ રહ્યો હતો. અને તરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી. અને પોલીસ આવી હોવાનું જાણવા મળતા જ તમામ લુખ્ખા તત્વો ફરાર થઈ ગયા હતા.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રણજીત ખાચર નામનો આ શખ્સે ખભે બંદૂક લટકાવી છે. અને તેના કેટલાક સાગરીતો લાઠી સહિતનાં હથિયારો સાથે ત્યાં પહોંચ્યા છે. બાદમાં રણજીત એક ઘર તરફ જોઈને ધમકી આપતો પણ નજરે પડે છે. નજરે જોનારાઓએ જણાવ્યા મુજબ રણજીતે કહ્યું હતું કે, ‘બધા બહાર નિકળો આજે ભડાકે દેવા છે’ હાલ આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

ધોળે દિવસે બનેલી આ ઘટનાને લઈને સામાન્ય લોકો સામે દંડા પછાડીને દંડ ઉઘરાવતી પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠયા છે. અને ગુનેગારોમાં પોલીસનો કોઈ ખોફ નહીં હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે. જેને પગલે પોલીસ પણ હરકતમાં આવી છે. તેમજ સીસીટીવીનાં આધારે આતંક માચાવનારા આ તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પરંતુ ઘટનાને પગલે આસપાસનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud