• રાજકોટના માધાપર ગામમાં રહેતો સંજય અશોક બાહુકીયા અને તેની પત્ની નેહા ઉર્ફે શબાના નામના બંટી-બબલી બાઇકમાં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી
  • પોલીસે વોચ ગોઠવીને બુટલેગર દંપત્તિને ઝડપી પાડ્યા
  • નેહા ઉર્ફે શબાનાની અગાઉ સ્પામાં રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. અને સંજય ઇમીટેશનનું કામ કરતો

Watchgujarat. દારૂનાં બંધણીઓને સાવધાન કરતી ઘટના સામે આવી છે. જેમાં દેશી દારૂમાં ચાની ભૂક્કીનું પાણી ભરી સ્કોચનાં નામે વેંચતા બંટી અને બબલી ઝડપાયા છે. 6 મહિના પહેલાં જ પ્રેમલગ્ન કરનાર માધાપરના દંપતીએ આર્થિક ભીંસ દુર કરવા આ નુસખો શરૂ કર્યો હતો. પતિ સ્કોચની ખાલી બોટલ શોધી લાવતો હતો. જેમાં દેશીદારુ તેમજ ચાની ભૂકીના પાણી ભેળવીને દંપતિ પ્યાસીઓને પૂરા ભાવે બોટલ ધાબડતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે જવાહર રોડ પરથી અલગ અલગ બ્રાન્ડની સ્કોચની 9 બોટલ સાથે બંનેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળી રહેલી વિગત મુજબ માધાપર ગામમાં રહેતો સંજય અશોક બાહુકીયા અને તેની પત્ની નેહા ઉર્ફે શબાના નામના બંટી-બબલી એક્સેસ બાઇકમાં દારૂની હેરાફેરી કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને પગલે એક વોચ ગોઠવીને જવાહર રોડ પર ગેલેક્સી હોટલ નજીકથી પસાર થઇ રહેલા આ દંપતીને પોલીસે ઝડપી લીધા હતા. અને તલાશી લેતા સ્કૂટરની ડેકીમાંથી 100 પાઇપર, બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હિસ્કી તેમજ જોની વોકર ડબલ બ્લેક બ્લેન્ડેડ જેવી કુલ 9 બોટલ મળી આવતા સ્કૂટર અને દારુ સહિતના મુદ્દામાલ સાથે બંનેને અટકાયતમાં લીધા હતા.

દારૂ ક્યાંથી લાવતા હતા અને કોને સપ્લાય કરવા જઇ રહ્યા હતા? એ અંગે પૂછતા દંપતીએ આપેલો જવાબ સાંભળીને પોલીસ અધિકારી દંગ રહી ગયા હતા. નેહા ઉર્ફે શબાનાની કબૂલાત મુજબ, પોતે અગાઉ સ્પામાં રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. તેમજ સંજય ઇમીટેશનનું કામ કરતો હતો. લોકડાઉના કારણે સ્પા અને ઇમીટેશનનો ધંધો બંધ થઇ જતા બંને જ બેકાર બની ગયા હતા. છતાં પ્રેમીયુગલે 6 માસ પહેલાં પ્રેમ લગ્ન કરી લીધા હતાં. બાદમાં આર્થિક ભીંસ દૂર કરવા ગુનાહિત પ્રવૃતિમાં ઝંપલાવ્યું હતું.

નેહા ઉર્ફે શબાના સ્પામાં કામ કરતી હોઇ મોટા ભાગના ગ્રાહકો દારુના શોખીન, બંધાણી હોવાની જાણકારી હતી. હાલમાં દારૂની તંગી હોવાથી દારૂનો ગેરકાનૂની ધંધો કરવાનો નિર્ણય કર્યો હતો. ભંગારમાંથી સ્કોચ, મોંઘી વ્હિસ્કીની ખાલી બોટલો ખરીદીને તેમાં હલકી ગુણવત્તાનો દારુ તથા ચાની ભૂકીનું પાણી ભરીને પૂરા ભાવે વેચાણ શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દારૂ નહીં મળતા દેશી દારૂ સાથે ચાની ભૂકી ભરીને ગ્રાહકોને ધાબડતા હોવાનું પણ નેહાએ કબૂલ કરી લેતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud