• શ્વાને જંગલનાં રાજાને પડકાર્યો
  • ઘટનાને સહેલાણીઓએ કેમેરામાં કેદ કરી

WatchGujarat. ગીરના જંગલમાં એક જવલ્લેજ જોવા મળતી ઘટના સામે આવી છે. જેમાં એક મામુલી શ્વાને જંગલનાં રાજાને પડકાર્યો હતો. એટલું જ નહીં શ્વાને પડકાર ફેંકતા એકવાર સાવજે પણ પીછેહઠ કરવી પડી હતી. ઘટનાને સહેલાણીઓએ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે. અને લોકો પણ વિડીયો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ રહ્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે, જંગલમાંથી એક શ્વાન પાછળ સિંહ દોડતો આવે છે. શ્વાન પણ હિંમતભેર સિંહ સામે લડત કરે છે. લડાઈ થોડીવાર થંભ્યા બાદ સિંહ શ્વાન તરફ આવે છે. પરંતુ શ્વાન તેની તરફ દોટ મૂકીને સામો પ્રતિકાર કરતો દેખાય છે. જેને લઈને આ જંગલનો રાજા પાછળ હટવા મજબૂર થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, એશિયાટીક સિંહોનાં રહેઠાણ એવા ગીરનાં જંગલમાં વસતા સિંહોને જોવા દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ જિલ્લાના સાસણ ગીર જંગલની મુલાકાતે આવે છે. અને વનવિભાગ દ્વારા દેખાડવામાં આવતી જંગલ સફારીનો લ્હાવો માણે છે. દરમિયાન સિંહોની લટાર અને મારણનાં દ્રશ્યો જોઈને પણ તેઓ ખુશખુશાલ થઈ જતા હોય છે. ત્યારે જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓએ ભાગ્યે જ જોવા મળતું સિંહ અને શ્વાનનું યુદ્ધ નિહાળ્યું હતું. અને ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયો સાથે બંધ બેસતી દેવાયત ભમ્મરની કવિતા

જા જા કૂતરાં જા!જઈ ને કે’જે મેં સિંહને પડકાર્યો હતો.
પણ, ભેળું એ પણ કે’જે કે સિંહે મને માર્યો નહોતો!

ભૂંડ તો અમને ભટકાય છે,
ને ઊંધે માથે પટકાય છે.
પણ કુતરીના કંથ પર અમે પંજો ઉપાડ્યો નહોતો.
જા જા કૂતરાં જા! જઈ ને કે’જે મેં સિંહને પડકાર્યો હતો.

ડાલામથ્થાને પછી દખ લાગે.
જો કૂતરાંને જરીક નખ વાગે.
બવ બળવાળા કૂતરાંને સિંહે સમોવડીયો ધાર્યો નહોતો.
જા જા કૂતરાં જા! જઈ ને કે’જે મેં સિંહને પડકાર્યો હતો.

જા જા ગામમાં જઈ ઢંઢેરો પીટાવ.
ને સિંહને લલકારવાના ઇતિહાસ લખાવ.
ભેળું એ પણ લખાવજે કે સિંહે એક શ્વાનને તાર્યો હતો.
જા જા કૂતરાં જા! જઈ ને કે’જે મેં સિંહને પડકાર્યો હતો.

હે શ્વાન શ્રેષ્ઠ! હવે શિકાર કરજો.
ક્યાં લગી અમારાં ભક્ષના પાઠા વિખશો.
‘દેવ’ એણે દુબળાને દયા દાખવી દાઢે દબાવ્યો નહોતો.
જા જા કૂતરાં જા! જઈ ને કે’જે મેં સિંહને પડકાર્યો હતો.
પણ, ભેળું એ પણ કે’જે કે સિંહે મને માર્યો નહોતો!

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud