• વાવડી ગામના રસ્તા નજીક આવેલા પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ કાર હોવાની ચોક્કસ માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી
  • ગેરેજ સંચાલક રાહુલ ભરત ઘીયાડને કારનાં કાગળો અંગે પૂછપરછ શરૂ કરતા ગેંગેફેંફે કરવા લાગ્યો
  • લક્ઝુરીયસ કાર ચોરતી ગેંગ રૂ.2.50 લાખથી માંડી રૂ.3.50 લાખમાં મોંઘી કાર આવા શખ્સોને વેચી મારતા

WatchGujarat. શહેર ક્રાઈમ બ્રાન્ચે લકઝરી કાર ચોરીનાં આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને 150 ફૂટ રિંગરોડ પરની ટીલાળા ચોકડી પાસેથી એક ગેરેજ સંચાલકને 3 લક્ઝુરીયસ કાર સાથે ઝડપી પાડ્યો છે. આ ગેરેજ સંચાલકે વેંચવા રાખેલી સ્કોર્પિયો, ઇનોવા અને ઓટોમેટિક મારુતિ બ્રેજા કાર નોઈડાથી ચોરી કરેલી હોવાની કબૂલાત આપી હતી. જેને પગલે આ ત્રણેય કાર પણ કબ્જે લઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

આ કૌભાંડની જાણવા મળતી વિગત મુજબ, વાવડી ગામના રસ્તા નજીક આવેલા પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ કાર હોવાની ચોક્કસ માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. અને ગેરેજ સંચાલક રાહુલ ભરત ઘીયાડને ત્યાં રહેલી કારનાં કાગળો અંગે પૂછપરછ શરૂ કરી હતી. કાગળો અંગે પૃચ્છા થતા રાહુલ ગેંગેફેંફે કરવા લાગ્યો હતો. અને પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરતાં પોપટ બની ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વી.કે. ગઢવીનાં જણાવ્યા મુજબ રાહુલે ગેરેજમાં વેંચવા રાખેલી ઇનોવા, સ્કોર્પિયો અને ઓટોમેટિક મારુતિ બ્રેજા કાર ગાઝિયાબાદ- નોઇડાથી ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું. નોઇડામાં ચાલુ વર્ષમાં 15 લક્ઝરિયસ કાર ચોરી થઇ છે. અને લક્ઝરિયસ કાર ચોરતી ગેંગ રૂ.2.50 લાખથી માંડી રૂ.3.50 લાખમાં મોંઘી કાર આવા શખ્સોને આપી દેતા હોય છે. બાદમાં રાહુલ જેવા લોકો તેની મનફાવે તેવી રકમ વસૂલતા હોય છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર ખરીદ કરવા આવે અને કાર પસંદ પડ્યા બાદ કારની આરસીબુક સહિતના દસ્તાવેજ માંગે ત્યારે જ રાહુલ ફાઇનાન્સ કંપનીએ પરત ખેંચેલી કાર હોઈ સસ્તામાં આપવાની ખોટી વાતો કરી કાર ધાબડી દેતો હતો. આ પ્રકારની પરપ્રાંતીય વાહન ચોર ગેંગે ચોરેલી લકઝરી કાર રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ વેંચાતી હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. સાથે રાહુલની અટકાયત કરી રૂ.23 લાખની ત્રણેય કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud