- 20 વર્ષનો શખ્સ પોતાના જ પંથકના કોન્ટ્રાકટર મારફત બારવણ ગામમાં કુવા ખોદવાની મજૂરી કામ માટે આવ્યો
- ગત બપોરે રમી રહેલી 6 વર્ષની બાળાને જોઇ રામલાલની દાનત બગડી
- બાળાએ કાલીઘેલી ભાષામાં વાત કરતાં તેની સાથે કંઇક ખોટુ થયાનું જણાયુ
WatchGujarat. કુવાડવા નજીકના એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 6 વર્ષની બાળાને મુળ રાજસ્થાનના 20 વર્ષના ઢગાએ બોર ખાવાના બહાને સાથે લઇ જઇ તેણીને પીંખી નાખી હતી. ઘટના જાહેર થતાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી.
સગીરવયની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એરપોર્ટ પોલીસ @CP_RajkotCity @CMOGuj @dgpgujarat @CollectorRjt @GujaratPolice @ManojAgarwalIPS pic.twitter.com/auNgiorPUY
— Rajkot City Police (@CP_RajkotCity) February 11, 2021
પત્રકાર પરિષદમાં ઝોન-1 ડીસીપી પ્રવિણકુમાર મીણા દ્વારા જણાવાયું હતું કે, મૂળ રાજસ્થાનના ભીલવાડા પંથકનો રામલાલ બાબુજી ખદેરા નામનો 20 વર્ષનો શખ્સ પોતાના જ પંથકના કોન્ટ્રાકટર મારફત બારવણ ગામમાં કુવા ખોદવાની મજૂરી કામ માટે આવ્યો છે. ગત બપોરે મજૂરો જમવા માટે આસપાસમાં ગયા હતાં. આ દરમિયાન નજીકમાં રમી રહેલી 6 વર્ષની બાળાને જોઇ રામલાલની દાનત બગડી હતી. અને બાળા પાસે જઇ પહેલા વાતો કરી હતી. પછી તેણીને બોર ખવડાવવાના બહાને નજીકની અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. અને બાળાને પીંખી નાંખી હતી.
થોડીવાર બાદ આ માસુમ રડતી રડતી આવતાં પરિવારે પૂછપરછ કરી હતી. જેમાં બાળાએ કાલીઘેલી ભાષામાં વાત કરતાં તેની સાથે કંઇક ખોટુ થયાનું જણાયુ હતું. અને તપાસ કરતાં તેણી દૂષ્કર્મનો ભોગ બન્યાનું સામે આવતાં સૌ ચોંકી ગયા હતા. આ માટે બાળાએ મજૂર રામલાલનું નામ આપતા તુરત જ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લઈ અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે.