• ત્રંબાનાં 60 વર્ષીય ગોવિંદભાઇ મોરવાડિયાને તા.11ના કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા
  • તા. 14ના સવારથી સંપર્ક તૂટી ગયો અને વોર્ડમાં દાખલ ગોવિંદભાઇનો ફોન રિસિવ થતો ન હતો
  • 7 કલાકમાં મૃતદેહ સોંપવાના કલેક્ટરનાં દાવાઓ અહીં પોકળ સાબિત થયા

WatchGujarat. કોરોના મહામારી સામે લડવામાં તંત્ર સંપૂર્ણ રીતે નાકામ રહ્યું છે. અને લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી અવારનવાર સામે આવી રહી છે. હજુ ગઈકાલે જ ઓક્સિજનની પાઇપલાઇન તૂટ્યા બાદ તેમાં કપડાં વડે થિંગડું મરાયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે ત્રણ-ત્રણ દિવસની શોધખોળ બાદ પરિવારને સ્વજનની લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ, ત્રંબાનાં 60 વર્ષીય ગોવિંદભાઇ મોરવાડિયાને તા.11ના કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તા.13ની રાત્રીના તેમનો મોબાઇલ પર સંપર્ક થયો હતો. પરંતુ બાદમાં તારીખ 14ના સવારથી સંપર્ક તૂટી ગયો હતો. વોર્ડમાં દાખલ ગોવિંદભાઇનો ફોન રિસિવ થતો નહોતો, અને તેમની તબિયત કેવી છે તેના કોઇ સમાચાર મળતા નહોતા, તેથી મોરવાડિયા પરિવારના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા અને કન્ટ્રોલરૂમમાં જાણ કરી હતી.

કન્ટ્રોલ રૂમના સ્ટાફે ગોવિંદભાઇ ક્યા વોર્ડમાં દાખલ છે, શું સ્થિતિ છે તે જાણીને થોડીવારમાં કહેશું તેવી વાતો કરી હતી પરંતુ કોઇ જવાબ ત્યાંથી મળ્યો નહોતો. બે દિવસ વિતી જવા છતાં ગોવિંદભાઇની કોઇ માહિતી મળી નહોતી. તા.16ને શુક્રવારે સવારે ગામના સરપંચ નિતિનભાઇ પટેલ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. અને ધારાસભ્ય સહિતના આગેવાનોને આ અંગે જાણ કરતા હોસ્પિટલ તંત્ર કામે લાગ્યું હતું અને સાંજે 4 વાગ્યે ગોવિંદભાઇનું મૃત્યુ થયાનું કહી તેમની લાશ પરિવારજનોને આપી દીધી હતી.

ગોવિંદભાઇની ત્રણ દિવસથી કોઇ માહિતી મળતી નહોતી, એટલે ત્રણ દિવસ પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. તેમજ ગોવિંદભાઇ પાસે રહેલા બે મોબાઇલ પણ પરત નહી મળતા તે ચોરી થઇ ગયાનો આક્ષેપ કરાયો છે. જોકે હાલમાં આવા કોઈપણ આક્ષેપો અંગે જવાબદારો તો કશું બોલવા તૈયાર નથી. પરંતુ 7 કલાકમાં મૃતદેહ સોંપવાના કલેક્ટરનાં દાવાઓ અહીં પોકળ સાબિત થયા છે. અને સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારેય પણ સુધરશે નહીં તેવી છાપ લોકોમાં ઉપસ્થિત થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud