• ગત તા. 19નાં રોજ એક સીરામીક ફેક્ટરી નજીક બાળકીની દાટી દેવાયેલી લાશ મળી આવી હતી
  • મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની હકીકત સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી
  • આરોપીની પત્નીનું ત્રણ વર્ષ પહેલા મૃત્યુ થયું હતુ
  • 5 દિવસમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો
  • ઘણા સમયથી આરોપીએ અગાઉ પણ ઘણા બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપી હોવાનું સામે આવ્યું – DYSP રાધિકા ભારાઈ

WatchGujarat. શહેરમાં 7 વર્ષીય માસુમનું અપહરણ બાદ હત્યા થયાની ઘટના સામે આવી હતી. જેમાં ગત તા. 19નાં રોજ એક સીરામીક ફેક્ટરી નજીક બાળકીની દાટી દેવાયેલી લાશ મળી હતી. લાશની સ્થિતિ જોતા તેના પર દુષ્કર્મ થયાનું સ્પષ્ટ જણાતું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આ હકીકત સાચી ઠરતા જ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપીને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ગણતરીના દિવસોમાં જ પોલીસને સફળતા મળી છે. પોલીસે આ હીન કૃત્ય કરનારા શખ્સને ઝડપી લીધો છે. જે પોતે એક 7 વર્ષની પુત્રી અને એક પુત્રનો પિતા હોવાનું સામે આવતા ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકીની સ્થિતિ જોતા તેના પર દુષ્કર્મ થયું હોવાની આશંકા હતી. ફોરેન્સિક પી.એમ.બાદ એ આશંકા સાચી ઠરી હતી. જેને લઈને હતભાગી બાળકીના પિતા જ્યાં કામ કરતાં હતાં એ ફેક્ટરીમાંથી કેટલાક શકમંદોને ઉઠાવી પૂછપરછ કરાઈ હતી. દરમિયાન અહીં કામ કરતા 27 વર્ષીય દુર્ગાચરણ ઉર્ફે ટારઝન રેગોભાઈ સેવૈયાએ આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

DYSP રાધિકા ભારાઈએ આ અંગે જણાવ્યું હતું કે, સીસીટીવીના ફૂટેજના આધારે ઝડપાયેલો 27 વર્ષીય દુર્ગાચરણ ઉર્ફે ટારઝન રેગોભાઈ સેવૈયા ઝારખંડનો રહેવાસી છે. અને પીડિતાનાં પિતા જે ફેક્ટરીમાં કામ કરે છે તેમાં કામ કરવા સાથે ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહે છે. 7 વર્ષથી મોરબીમાં રહેતા આરોપીની પત્નિનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું છે. આરોપીનો એક પુત્ર અને એક પુત્રી હતભાગી બાળકીની ઉંમરના છે. ઘણા સમયથી આ જ ફેકટરીમાં કામ કરતા આરોપીએ અગાઉ પણ ઘણા બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપતો હોય એવું જાણવા મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ રાખી છે.

ઉલ્લેખનીય છે કે શાતીર દિમાગનો આરોપી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા નિપજાવ્યા બાદ જાણે કશું બન્યું જ ન હોય તેમ કામે ચડી ગયો હતો. જો કે, આ બનાવ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો હોવાથી પોલીસે તેની તમામ તાકાત આરોપીને ઝડપી લેવા કામે લગાડી દીધી હતી અને સીસીટીવી ફૂટેજ સહિત બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. પોલીસ અધિક્ષક એસ.આર.આડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમમાં મોરબી જિલ્લા એલ.સી.બી. તાલુકા પોલીસની ટીમ સહિત વિવિધ પોલીસકર્મીઓએ રાતદિવસ મહેનત કરી અંતે ગણતરીના દિવસોમાં નરાધમને ઝડપી પાડતાં પોલીસ કાર્યવાહીની પ્રસંશા થઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud