• મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓને 28 દિવસ માટે હોસ્પિટલમાં રાખવા પડતા હોવાથી બેડની સંખ્યા ઘટી
  • મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે SOP બનાવીને સર્જરી કરીને ક્યારે અને કેટલા સમય બાદ ડિસ્ચાર્જ કરી શકાય તે નક્કી કરવામાં આવશે
  • કોરોના પોઝીટીવ દર્દીઓનો રિકવરી રેઈટ વધીને 95.86 ટકા થયો

WatchGujarat. શહેરમાં મીની લોકડાઉનની અસરના કારણે કોરોના કાબુમાં આવ્યો હોય તેમ નવા કેસોનો આંક સતત ઘટી રહ્યો છે. તેની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં લોકો અને તંત્રએ પણ હાંશકારો અનુભવ્યો છે. સાથે જ શહેરની હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા પણ વધી છે.  જો કે મ્યુકરમાઇકોસીસ રોગનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી હવે ડિસ્ચાર્જ માટે નવી પોલિસી બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે.

રાજકોટમાં મ્યુકરમાઇકોસીસનાં કેસની સંખ્યા સતત વધી રહી છે. અને આ રોગના દર્દીઓને 28 દિવસ માટે હોસ્પિટલમાં રાખવા પડતા હોય બેડની સંખ્યા ઘટી છે. જેને લઈને નવી ડિસ્ચાર્જ પોલિસી બનાવવા નિર્ણય લેવાયો છે. સિવિલ સુપરિટેનડેન્ટ ડોકટર આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 400 કરતા પણ વધી ગઈ છે અને દરરોજ નવા 25 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે 500 બેડ પણ ઓછા પડે તેવી સ્થિતિ છે. આ કારણે હવે નવી ડિસ્ચાર્જ પોલિસી બનાવવામાં આવી રહી છે જેમાં SOP બનાવીને સર્જરી કરીને ક્યારે અને કેટલા સમય બાદ ડિસ્ચાર્જ કરી શકાય અને ઘરે રહીને કેવા પ્રકારની અને કઈ રીતે સારવાર લેવી તે નક્કી કરવામાં આવશે.

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીના કોરોનાએ ભોગ લીધો છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકારી ડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે થયેલા 38 મોત પૈકી માત્ર 1 મોત કોરોનાથી થયું હોવાનું આ કમિટી દ્વારા જણાવાયું છે. સાથે સાથે શહેરની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 3542 જેટલા બેડ ઉપલબ્ધ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

નવા કેસોની વાત કરવામાં આવે તો ગઈકાલે એક જ દિવસમાં નવા 187 પોઝીટીવ કેસ નોંધાયા હતા. તેની સામે 409 દર્દીઓ સાજા ડિસ્ચાર્જ કરાયા છે. આજે બપોર સુધીમાં નવા માત્ર 45 કેસ નોંધાયા છે. તેમજ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1488 દર્દી સારવાર લઈ રહ્યા છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 11.05 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 40,182 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. અને 38,476 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા રિકવરી રેઈટ વધીને 95.86 ટકા થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud