• જેતલસરનાં પરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી ધો. 11માં અભ્યાસ કરતી હતી
  • એકતરફી પ્રેમમાં પાગલ જયેશ ગિરધર સરવૈયા નામનો યુવક વારંવાર સૃષ્ટિને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો
  • સગીરાએ અનેક વખત સમજાવ્યા છતાં જયેશ દરરોજ તેણીનો પીછો કરી હેરાન કરતો

WatchGujarat. જેતપુરના જેતલસરમાં લગ્નની ના પાડતા એક ધરાર પ્રેમીએ સગીરાને આડેધડ છરીનાં ઘા ઝીંકી રહેંસી નાખી હતી. અને બહેનને બચાવવા માટે વચ્ચે પડેલા ભાઈને પણ નરાધમે છરી મારી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના સમયે સગીરાનાં માતા-પિતા મજૂરી કરવા માટે ગયા હતા. ગામમાં ધોળે દિવસે ખેલાયેલા ખૂની ખેલને લઈ સન્નાટો છવાઇ ગયો છે. હાલમાં તો જેતપુર તાલુકા પોલીસ આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જેતલસરનાં પરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી ધો. 11માં અભ્યાસ કરતી હતી. તેના એકતરફી પ્રેમમાં પાગલ જયેશ ગિરધર સરવૈયા નામનો યુવક વારંવાર સૃષ્ટિને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. સગીરાએ અનેક વખત સમજાવ્યા છતાં જયેશ દરરોજ તેણીનો પીછો કરી હેરાન કરતો હતો. દરમિયાન ગઈકાલે બપોરે સાડા ચારે વાગ્યાનાં સુમારે સૃષ્ટિનાં માતા-પિતા મજૂરી કામે ગયા હતા. અને ઘરે ભાઈ-બહેન એકલા હતા ત્યારે જયેશ ત્યાં પહોંચ્યો હતો.

જ્યેશે સૃષ્ટિને પોતાની સાથે આવવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા જ્યેશે સૃષ્ટિને ઢસડીને બહાર કાઢી હતી. અને ઢોર માર માર્યો હતો. આમ છતાં સગીરા સાથે જાવા તૈયાર નહીં થતા જ્યેશે પોતાની પાસે રહેલો છરો કાઢી સૃષ્ટિને આડેધડ તેના ઘા ઝીંકવા લાગ્યો હતો. દરમિયાન સૃષ્ટિનો ભાઈ હર્ષ વચ્ચે પડતા જ્યેશે તેને પણ છરીનાં ઘા ઝીંકી દેતા આ ભાઈ બહેન લોહીલુહાણ થઈ ગયા હતા. છતાં પણ જ્યેશે સૃષ્ટિને છરીનાં ઘા ઝીંકવાનું ચાલુ રાખ્યું હતું. અને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે તેમજ ગંભીર ઘાયલ થયેલા તેના ભાઈને સારવાર માટે ખસેડીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ જયેશ સૃષ્ટિની ઘરે આવતો-જતો હતો. અને તેણીનાં એકતરફી પ્રેમમાં પાગલ હતો. પરંતુ સૃષ્ટિને તેના માટે એવી કોઈ લાગણી નહીં હોવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપી પોલીસનાં હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે ધોળેદિવસે બનેલી આ ઘટનાને લઈને ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud