• સુપ્રસિદ્ધ કલાકારોનાં લોકડાયરામાં લલકારવામાં આવતા ગીતોથી ખુશ થઈ લોકો રૂપિયાનો વરસાદ કરતા હોવાની પરંપરા
  • વિડીયોમાં ગાયક ગીત લલકારી રહ્યા છે, તો બીજી બાજુ તેની ખુશીમાં એક પછી એક 7 રાઉન્ડ ફાયરિંગ કરાયું
  • વિડીયોમાં ‘ધાંધલ કુટુંબ’ લખેલું પોસ્ટર દેખાઈ રહ્યું છે

WatchGujarat. લોકડાયરાનું સૌરાષ્ટ્રમાં અનેરું મહત્વ રહ્યું છે. અને આવા કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. તેમાં પણ સુપ્રસિદ્ધ કલાકારોનાં લોકડાયરામાં લલકારવામાં આવતા ગીતોથી ખુશ થઈ લોકો રૂપિયાનો વરસાદ કરતા હોવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ હાલ એક લોકડાયરાનો વિડીયો વાયરલ થયો છે. લોકગાયક દેવાયત ખાવડનાં કાર્યક્રમનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં શ્રોતા રૂપિયા ઉડાડવાનાં બદલે ગન દ્વારા ફાયરિંગ કરીને દાદ આપતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ભક્તિનગર પોલીસ લોકઅપનો વિડીયો વાયરલ કરનાર આરોપી દ્વારા જ આ વિડીયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફત વાયરલ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકગાયક દેવાયત ખાવડ ગીત લલકારી રહ્યા છે. અને તેનાથી ખુશ થયેલા શ્રોતાઓ એક બાદ એક હવામાં ફાયરિંગ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં 15 સેકન્ડનાં આ વિડીયોમાં એક બે નહીં 7-7 વાર ફાયરિંગ કરવામાં આવ્યા છે. જોકે આ વિડીયો ક્યારનો છે. અને કાર્યક્રમ ક્યાં સ્થળે યોજાયો હતો તે તપાસનો વિષય છે. પરંતુ દેશ-વિદેશમાં ફાયરિંગ કરીને દાદ આપવાનો કદાચ આ પ્રથમ કિસ્સો હોવાથી લોકોમાં આ વીડિયોને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ જાણીતા લોકગાયક દેવાયત ખાવડના ડાયરાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં 7 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા છે. હાલમાં ભક્તિનગર પોલીસના આરોપી જયેશ ડાંગરે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો છે. આ વિડિયોમાં જયેશ ડાંગરની સાથે બલી જંગવડના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ લખવામાં આવ્યું છે. આ વિડીયોમાં ‘ધાંધલ કુટુંબ’ લખેલું પોસ્ટર દેખાઈ રહ્યું છે. અને વિડીયો ઘણો જૂનો હોવાનું પણ લાગી રહ્યું છે. જો કે આ મામલે દેવાયત ખાવડનો સંપર્ક સાધતા ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ કે અન્ય જિલ્લાની પોલીસ દેવાયત ખાવડનું નિવેદન નોંધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે આવનારો સમય જ બતાવી શકશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud