• બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં એએસઆઇ અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉ.વ.47) કોરોનાથી સંક્રમિત થયા હતા
  • ગઇકાલે બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા બાદમાં પુત્ર-પરિવારજનો અંતિમવિધી આટોપીને હજુ આવ્‍યા હતાં ત્‍યાં તો મોડી રાતે એકાદ વાગ્‍યે લાભુબેને પણ દમ તોડી દીધો
  • આવતા મહિને 24 – 05 ના રોજ આ દંપતિની દિકરીના લગ્ન લેવાયા હતા

WatchGujarat. વૈશ્વીક મહામારી કોરોનાએ કેટલાય જીવ લઇ લીધા છે, અનેક પરિવારોના માળા વેરણછેરણ કરી નાંખ્‍યા છે. કાળમુખો કોરોના હજુ માનવજીવને બેફામ બનીને ભરખી જ રહ્યો છે. શહેર પોલીસમાં ફરજ બજાવતાં આસી. સબ ઇન્‍સ્‍પેક્‍ટરનું ગઇકાલે બપોરે મૃત્‍યુ નિપજ્‍યા બાદ મોડી રાતે તેમના પત્‍નિએ પણ દમ તોડી દેતાં ભારે કલ્‍પાંત સર્જાયો છે. દંપતિએ આવતા મહિને દીકરીનું કન્યાદાન કરવાની તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ વિધિના આકરા વિધાનને લઈને રામનાથપરા પોલીસ લાઇનમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળતી વિગત મુજબ, બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં એએસઆઇ અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉ.વ.47) કોરોનાથી સંક્રમિત થયા હતાં. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો. પણ તબિયત ઠીક થઇ ન હોઇ સિવિલમાં સારવાર હેઠળ હતાં. ગઇકાલે બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસે શોક સલામી આપી હતી. બાદમાં પુત્ર-પરિવારજનો અંતિમવિધી આટોપીને હજુ આવ્‍યા હતાં ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે અમૃતભાઇના ધર્મપત્‍નિ લાભુબેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના લાગુ પડયો હોઇ ઘરે જ સારવાર લઇ રહ્યા હતાં.

અમૃતભાઇ અને લાભુબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર સૌથી નાનો છે. કરૂણતા એ છે કે, આવતા મહિને ૨૪-૦૫ના રોજ આ દંપતિની એક દિકરીના લગ્ન લેવાયા હતાં. જેના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાઓ છીન્‍નભીન્‍ન થઇ ગયા છે. ત્રણે ભાંડરડાએ બાર કલાકના ગાળામાં પહેલા પિતા અને પછી માતાને ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો છે. અને રામનાથપરા પોલીસ લાઇનનાં રહેવાસીઓ આ ત્રણેય ભાંડરડાને સધીયારો આપી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud