• રાજકોટમાં રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસે લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ હોવાની જાગૃત નાગરિકે આજીડેમ પોલીસને જાણ કરી
  • મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં પરથી તેની ઓળખ કરાઇ
  • હત્યારાઓ તેના પર તૂટી પડ્યાનું તેમજ હત્યા કર્યા બાદ લાશ નિરાંતે બોક્સમાં પેક કરી તેને અહીં ફેંકી ગયા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી

Watchgujarat. શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘવાળું પીન મારી પેક કરેલું એક મોટું બોક્સ મળી આવ્યું હતું. આ બોકસ ખોલતા જ અંદરથી છરીના ઘા ઝીંકાયેલી યુવકની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવકને છરીના પાંચથી વધુ ઘા ઝીંકાયા હોવાનું તેમજ મૃતક ગોકુલધામનો 37 વર્ષીય બૂટલેગર સંજય રાજુ સોલંકી હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓએ ઠંડા કલેજે તેને રહેંસી નાખી લાશને બોક્સમાં પેક કરી ફેંકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા સાથે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસે લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ હોવાની જાગૃત નાગરિકે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બોકસ ખોલતા અંદર પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં છે. જેને આધારે પોલીસે તેની ઓળખ કરતા તે બુટલેગર સંજય સોલંકી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસનાં જણાવ્યા મુજબ, સંજયના એક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. કોઈ અન્ય સ્થળે હત્યા કરી લાશ પૂલ પાસે ફેંકવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે. હત્યારાઓ તેના પર તૂટી પડ્યાનું તેમજ હત્યા કર્યા બાદ લાશ નિરાંતે બોક્સમાં પેક કરી તેને અહીં ફેંકી ગયા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. જે રીતે ઘટનાને અંજામ અપાયો છે, તે જોતા હત્યારાઓ ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત શુક્રવારે મોડીસાંજે શહેરના જિલ્લા ગાર્ડન અને જામટાવર નજીકથી જુદી-જુદી બે લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ 108નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકોની ઓળખ મેળવવા તેમજ મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પૈકી એક મૃતકનાં હાથ ઉપર ‘જય ચામુંડા’ લખેલું છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud