• ભક્‍તિનગર સર્કલ સીટી બસના પીકઅપ પોઇન્‍ટ પર ઉભેલી ભક્‍તિનગર સર્કલથી બજરંગવાડીની રૂટ નં. 7ની બસમાં એકાએક આગ ભભૂકી
  • બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો
  • સમયસુચકતા વાપરી ડ્રાઇવર, કંડકટર અને બે મુસાફરો તાબડતોબ નીચે ઉતરી ગયા

WatchGujarat. શહેરમાં સિટીબસમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભક્‍તિનગર સર્કલ નજીક અચાનક રૂટ નંબર 7ની સીટીબસમાં આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે અંદર બેઠેલા બે મુસાફર અને ડ્રાઇવર તથા કંડકટર તરત જ ઉતરી ગયા હતાં. બાદમાં મોટો ભડકો થયો હતો અને આખી બસ લપેટમાં આવી ગઇ હતી. જો કે આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં બંબા પહોંચ્‍યા હતાં. અને આગને કાબૂમાં લીધી હતી. પણ તે પહેલાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

જાણવા મળતી વિગત મુજબ સવારે ભક્‍તિનગર સર્કલ સીટી બસના પીકઅપ પોઇન્‍ટ પર ઉભેલી ભક્‍તિનગર સર્કલથી બજરંગવાડીની રૂટ નં. 7ની બસમાં એકાએક આગ ભભૂકી હતી. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી જતાં લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં બંબા સાથે જવાનોએ પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને લીધે નજીકમાં આવેલા ઝાડમાં પણ જાળ લાગી હતી. તેમજ બે એક્‍ટીવા પાર્ક કર્યા હોઇ તેમાં પણ થોડુ ઘણુ નુકસાન થયું હતું. અને આગ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી ચુકી હોવાથી બસ પણ ખાખ થઇ ગઇ હતી.

બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સીટી બસ બજરંગવાડીથી મુસાફરો ભરી ભક્‍તિનગર સર્કલ ખાતે આવી હતી. અને મુસાફરો ઉતરી ગયા બાદ ફરી બજરંગવાડીમાં જવા માટે બે મુસાફરો અને ડ્રાઇવર તથા કંડકટર પણ બેઠા હતાં. ડ્રાઇવર ગિરીશભાઇ પંડયાએ સેલ્‍ફ મારતા જ વાયરીંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં. સમયસુચકતા વાપરી ડ્રાઇવર, કંડકટર અને બે મુસાફરો તાબડતોબ નીચે ઉતરી ગયા હતાં.

બધા નીચે ઉતર્યાની થોડી જ મિનીટો બાદ ભડકો થયો હતો. અને બસ આગની લપેટમાં આવી જતાં ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્‍યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પ્રાથમિક તપાસમાં એન્‍જીનમાં કે વાયરીંગમાં સ્‍પાર્ક થતાં આગ ભભૂક્‍યાનું સામે આવ્યું છે. જોકર ખરેખર આગ કઇ રીતે લાગી? તે જાણવા પોલીસ એફએસએલની મદદ લઇ આગળ તપાસ કરશે. હાલ તો જાનહાની ટળતા લોકો સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Facebook Comments Box

Videos

Our Partners