• શુક્રવારે રાતે ગોંડલ ચોકડી નજીક રિધ્ધી સિધ્ધી સોસાયટીના નાળા નજીક એક પૂંઠાના બોકસ પર લોહીના ડાઘ હોવાની જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી
  • યુવકને માથા, મોઢા અને ગળા સહિત શરીરના ભાગે તિક્ષ્ણ હથિયાર – બોથડ પદાર્થના ઘા મારીને પતાવી દેવાયો
  • સંજયને પત્ની સાથે એક વર્ષ પહેલાં છૂટા છેડા થઇ જતાં તે બન્ને પુત્રી સહિત વિધવા માતા સાથે રહેતો હતો
  • ગુરુવારે બપોરે ઘરેથી ગયા પછી સંજય પરત આવ્યો ન હતો અને શુક્રવારે સાંજે તેનો ફોન સ્વીચ ઓફ થયાનું મૃતકની માતાએ પોલીસને જણાવ્યું

WatchGujarat. ગોકુલધામનાં ડાલીબાઇ છાત્રાલય નજીક રહેતા સંજય રાજુભાઇ સોલંકી નામના બુટલેગરની અતિક્રૂરતાથી હત્યા કર્યા બાદ બોકસમાં પેક કરીને રિધ્ધી સિધ્ધિ સોસાયટી નજીક ફેંકી દેવાયેલી લાશ મળી હતી. ક્રાઇમ બ્રાંચ અને આજી ડેમ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી મૃતકના કારખાનેદાર મિત્ર વિશાલ રાજ્યગુરુ સહિત ત્રણ શખસને ઝડપી લીધા છે. આ મૃતક બુટલેગર સંજય માથાભારે હતો અને વારંવાર વિશાલ પાસે પૈસાની માંગણી કરતો હતો. બનાવની સાંજે સંજય પૈસા લેવા કારખાને પહોંચતા ઉશ્કેરાયેલા વિશાલે તેને દસ્તા, હથોડી, લોખંડની પ્લેટના આડેધડ ઘા મારી પતાવી દીધો હતો. અને અન્ય બે સાથે મળી લાશને પૂંઠાનાં બોક્સમાં મૂકી ફેંકી દીધી હતી.

જાણવા મળતી વિગત મુજબ, શુક્રવારે રાતે ગોંડલ ચોકડી નજીક રિધ્ધી સિધ્ધી સોસાયટીના નાળા નજીક એક પૂંઠાના બોકસ પર લોહીના ડાઘ હોવાની જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બોકસ ખોલતા અંદરથી અજાણ્યા યુવકની લોહી નિતરથી લાશ મળી આવતા પોલીસ સ્ટાફ સ્તબ્ધ થઇ ગયો હતો. યુવકને માથા, મોઢા અને ગળા સહિત શરીરના ભાગે તિક્ષ્ણ હથિયાર – બોથડ પદાર્થના ઘા મારીને પતાવી દેવાયો હતો. મરનારના હાથમાં ચાંદીની લક્કી અને આયુષી લખેલું ટેટુ હતું જેના આધારે તપાસ કરતા મૃતક ગોકુલધામનો સંજય રાજુભાઇ સોલંકી હોવાનું ખુલ્યું હતું.

સંજયના પિતા હયાત નથી, સંજયને પત્ની સાથે એક વર્ષ પહેલાં છૂટા છેડા થઇ જતાં તે બન્ને પુત્રી સહિત વિધવા માતા સાથે રહેતો હતો. ગુરુવારે બપોરે ઘરેથી ગયા પછી સંજય પરત આવ્યો ન હતો અને શુક્રવારે સાંજે તેનો ફોન સ્વીચ ઓફ થયાનું મૃતકની માતાએ પોલીસને જણાવ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે સંજયના સંપર્કમાં રહેતા 40 કરતા વધુ શકમંદોની પૂછપરછ કરી હતી. દરમિયાન સંજયે ગુરુવારે બપોરે ગોકુલધામ નજીક ઉમીયા પાન પાસે કારખાનેદાર વિશાલ બોરીસાગર સાથે ઝઘડો કરી સ્કૂટરમાં તોડફોડ કર્યાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વિશાલ વિરેન્દ્રભાઇ બોરીસાગરને ઉઠાવી લીધો હતો. આકરી પૂછપરછમાં ભાંગી પડેલા વિશાલે બુટલેગર સંજયને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત આપી સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો.

વિશાલની કબૂલાત મુજબ, પોતે ફોર્ચ્યુન હોટલ સામે તિરુપતી ઇન્ડસ્ટ્રિઝ એરીયામાં સબમર્શીબલ પંપના બાઉલ એમ્પીલર બનાવવાના કારખાનામાં પાર્ટનર છે. એક સમયનો મિત્ર બુટલેગર સંજય કેટલાક સમયથી તલવાર દેખાડીને પૈસા પડાવવા લાગ્યો હતો. ગુરુવારે બપોરે પણ સંજયે પૈસા માગ્યા હતા. પૈસાની ના પાડતા સંજયે તલવારના ઘા મારી સ્કૂટરમાં તોડફોડ કરી હતી. અને સાંજે ફરી વખત કારખાને આવેલા સંજયે બેફામ ગાળો ભાંડીને પૈસા માગતા પોતે સંજયના ગળે છરી રાખીને બાજુમાં પડેલો દસ્તો ઉઠાવીને માથા-મોઢામાં ઉપરા ઉપરી ઘા મારી દીધા હતા. સંજય બચી જશે તો પોતાને મારી નાખશે તેવા ભયથી લોખંડની પ્લેટ અને હથોડીના આડેધડ ઘા ફટકારીને તેને પતાવી દીધો હતો.

આ સમયે કારખાનામાં હાજર કર્મચારીઓ અમીત કોઠીયા, મુકેશ રોલા, હર્ષરાજ વાઘેલા ઝઘડો જોઇને રવાના થઇ ગયા હતા. બાદમાં લાશને કારખાનામાં જ રાખીને પોતે જતો રહ્યો હતો. અને રાતે 9 વાગે મિત્ર વિવેક વડારીયાને લઇને કારખાને ગયો હતો. લાશને કોથળામાં ભર્યા પછી કારખાનામાંથી લોહીના ડાઘ સાફ કર્યા હતા. એ પછી મિત્ર અમિતને ફોન કરીને પૂંઠાનું મોટુ બોક્સ મગાવી અમિત અને વિશાલે લાશને બોકસમાં પેક કરી ખૂણામાં મૂકી દીધું હતું. બીજા દિવસે સાંજે 7 વાગે વિશાલ અને અમિત કારખાને પહોંચ્યા હતા. અમિતની મદદથી એક્સેસ સ્કૂટરમાં લાશ પેક કરેલુ બોકસ બાંધી દેતા વિશાલ એકલો લાશનો નિકાલ કરવા રવાના થયો હતો. જોકે રિધ્ધી સિધ્ધી નાલા પાસે બોકસ પડી જતાં પોતે ત્યાંથી ભાગી ગયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

પોલીસે ખૂનના ગુનામાં કારખાનેદાર વિશાલ વિરેન્દ્રભાઇ બોરીસાગર, વિવેશ વિઠ્ઠલભાઇ વડારીયા અને અમીત લક્ષ્મણભાઇ કોઠીયાની ધરપકડ કરી છે. વિશાલ બે ભાઇમાં મોટો અને પરિણિત છે. તેનો નાનો ભાઇ મુંદ્રા પોર્ટમાં નોકરી કરે છે. જ્યારે વિવેક વડારીયા આરોપી વિશાલના કારખાનામાં અને અમિત કોઠીયા કિચન વેરના કારખાનામાં નોકરી કરે છે. બીજીતરફ મૃતક સંજય બે માસૂમ પુત્રી, વિધવા માતાનો એકનો એક આધાર સ્તંભ હતો. એકના એક પુત્રના મોતથી વિધવા માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. સંજયે ગુરુવારે બપોરે વિશાલ પાસે પૈસા માગ્યા હતા. પૈસા નહીં આપતા તેના સ્કૂટરમાં તોડફોડ કરી હતી. જો કે અજય રાજપૂત નામના મિત્રએ સંજયને સમજાવ્યા પછી વિશાલે રૂ. 2100 ગૌશાળામાં ફાળો આપવાની શરતે સમાધાન થયું હતું. પણ સંજય સાંજે ફરી વખત કારખાને જતા વિશાલે તેને વધેરી નાખ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud