• ગઠીયાઓએ સોશિયલ મિડીયા ફેસબુક મારફત પલ્સ ઓકસિમીટર, હેન્ડગ્લોઝ, તેમજ કોરોનાની દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાતો આપી
  • ઠગાઇની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી
  • પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ 13 રાજ્યના 31 વેપારી સાથે છેતરપીંડી આચરી રૂ. 27,74,936 ઓળવી ગયાની કબૂલાત આપી

Watchgujarat. કોરોના કાળમાં સસ્તા ભાવે મેડીકલ સાધનો અને દવા વેંચવાના નામે ઓનલાઈન ઠગાઈ આચરતી આંતરરાજ્ય ઠગ બેલડીને જિલ્લા પોલીસે ઝડપી લીધી છે. જેતપુરના વેપારીની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. પોલીસ તપાસમાં ઠગ બેલડીએ 13 રાજ્યના 30 વેપારીઓ સાથે કુલ રૂપિયા 27.74 લાખની છેતરપીંડી આચર્યાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીનું નામ અને તેના જીએસટી નંબરનો ઉપયોગ કરી સોશિયલ મિડીયા ફેસબુક મારફત પલ્સ ઓકસિમીટર, હેન્ડગ્લોઝ, તેમજ કોરોનાની દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાતો આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ બેન્ક ખાતામાં પૈસા નંખાવીને માલ નહીં મોકલી છેતરપીંડી આચર્યાની ફરિયાદ વેપારી રજનીકાંત કાંતિલાલ દોંગાએ પોલીસમાં નોંધાવી હતી. જે અંગે તપાસ કરતા કોરોનાની મહામારીનો ગેરલાભ ઉઠાવી કોરોનામાં અત્યંત ઉપયોગી એવી દવાઓ અને મેડીકલ ઈન્સ્ટુમેન્ટ અંગે ફેસબુકમાં લોભામણી જાહેરાત આપી વેપારીઓને ઓક્સિમીટરનો મોટો જથ્થો, રેમડેસીવીર ઈન્જેકશન, દવાઓ, માસ્ક, હેન્ડ ગ્લોઝ, સેનીટાઈઝરના ફોટા બતાવી ઓર્ડર મેળવી પૈસા પડાવતા હોવાનું જણાયુ હતું.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ IG સંદિપસિંહ તથા SP વડા બલરામ મીણાએ આ ગુનાની તપાસ એલસીબીને સોંપી હતી. જેને પગલે એલસીબી ટીમે વિવિધ દિશામાં તપાસ હાથધરી ટેકનીકલ રીસોર્સીસ અને હ્યુમન રિસોર્સના આધારે ચોક્કસ બાતમી મેળવી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને આરોપી જયવીન સુર્યકાંત મંગેચા તથા વહીદ અમીનભાઈ રફાઈને ઝડપી લીધા છે. પોલીસે આરોપી પાસેથી મોબબાઈલ નં. 5, વીઝીટીંગ કાર્ડ, ડેબીટ કાર્ડ, ચુટણી કાર્ડ, એક્સીસ બેંકની પાસબુક, પલ્સ ઓક્સીમીટર નં. 4 ઉપરાંત ઓક્સિમીટરના ખાલી બોક્સ નં. 472, રેમડેસીવીર ઈન્જેક્શનના ખાલી બોક્સ, હેન્ડ ગ્લોઝનું બોક્સ તથા લેપટોપ અને રોકડા રૂ. 40 હજાર કબ્જે કર્યા છે.

પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ 13 રાજ્યના 31 વેપારી સાથે છેતરપીંડી આચરી રૂ. 27,74,936 ઓળવી ગયાની કબૂલાત આપી છે. જેમાં ગુજરાતમાં ગાંધીધામ અને અમદાવાદના ત્રણ વેપારી સાથે 4.16 લાખની ઠગાઈ આચરી હતી. આ ઉપરાંત તેલંગાણા રાજ્યના હૈદરાબાદના ત્રણ વેપારી, હરીયાણાના સોનીપત, કૈથલ અને અમ્બાલાના વેપારી, જોધપુરના બે વેપારી, મધ્યપ્રદેશના ઈન્દોર, ગ્વાલીયારના 4 વેપારી, દિલ્હીના ગુંડગાવ, નોયડા, અને આસપાસના વિસ્તારના પાંચ વેપારી, મહારાષ્ટ્રના મુંબઈના 4 વેપારી, ઉતરાખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના 1-1, વેપારી અને તમીલનાડું અને મીરમંડના 2-2 વેપારીઓ સાથે છેતરપીંડી આચરી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે.

જાણો કેવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

ઓનલાઈન ઠગાઈ માટે વેપારીઓને વિશ્ર્વાસમાં લેવા માટે આરોપીઓ મેડીકલ સાધનોના ખાલી બોક્સ રાખતા હતા. અને વિડીયો કોલીંગ મારફત વેપારીઓને ખાલી બોક્સના ફોટા બતાવતા તથા દેખાડવા પૂરતા ચારથી પાંચ જેટલા ઓક્સિમીટર ઓરીજનલ અને બાકીના ખાલી બોક્સ રાખતા હતા. સાથે સાથે ઠગાઈ આચરવા અન્ય વેપારી પેઢીના નામ અને સાચા GST નંબરનો ઉપયોગ કરતા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સોશિયલ મિડિયા મારફત ઓનલાઈન ઠગાઈ આચરતી આંતરરાજય ગેંગ દ્વારા 13 રાજયોના 31 વેપારીઓ સાથે છેતરપીંડી આચર્યાનું ખુલ્યું છે. જયારે હજુ ઘણા વેપારીઓ સાથે ઠગાઈ આચર્યાની શકયતા સેવાઈ રહી છે. ત્યારે જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ગેંગનો શિકાર બનેલા વેપારીઓને ફરિયાદ કરવા અપીલ કરી છે. તેમજ આ ગેંગમાં હજુ પણ કોઈ સામેલ છે કે કેમ ? સહિતની વિગતો મેળવવા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud