• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવતા વિરોધ બાદ સતાધીશો દ્વારા પાંચ સભ્યોની એક સમિતિ બનાવીને આ સમગ્ર મામલાની તપાસ સોંપાઈ
  • તપાસ કમિટીના એક રિપોર્ટમાં જતીન સોનીને દોષિત ગણવાને બદલે ટેક્નિકલ ભૂલ હોવાનું જણાવ્યું
  • બીજા રિપોર્ટમાં આ પ્રકરણમાં શારીરિક શિક્ષણ વિભાગના બેદરકાર કર્મચારીઓ, કોચ કેતન ત્રિવેદી અને કોન્ટ્રાકટર ચંદુ લાલકિયા સહિતના જવાબદાર હોવાનું જણાવાયું

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલ માટી કૌભાંડ મામલે 5 સભ્યોની સમિતિને તપાસ સોંપવામાં આવી હતી. અને આ સમિતિનો રિપોર્ટ પણ આવી ચુક્યો છે. જો કે માત્ર 5 સભ્યોની આ સમિતિમાં પણ મતભેદ છે. જેને લઈને કુલપતિને જુદા-જુદા બે રિપોર્ટ સોંપવામાં આવ્યા છે. બંને રિપોર્ટ પૈકી બહુમતી જૂથ તત્કાલિન રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાની તરફેણમાં હોય તેવું લાગતા આ સમિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ભારે વિરોધ બાદ સતાધીશો દ્વારા પાંચ સભ્યોની એક સમિતિ બનાવીને આ સમગ્ર મામલાની તપાસ સોંપાઈ હતી. આ સમિતિ દ્વારા આજે બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં તપાસ કમિટીના એક રિપોર્ટમાં જતીન સોનીને દોષિત ગણવાને બદલે ટેક્નિકલ ભૂલ હોવાનું જણાવ્યું હતું. અને દોષનો ટોપલો કોન્ટ્રાકટર પર ઢોળવામાં આવ્યો છે. જ્યારે બીજા રિપોર્ટમાં આ પ્રકરણમાં શારીરિક શિક્ષણ વિભાગના બેદરકાર કર્મચારીઓ, કોચ કેતન ત્રિવેદી અને કોન્ટ્રાકટર ચંદુ લાલકિયા સહિતના જવાબદાર હોવાનું જણાવાયું છે.

તપાસ સમિતિના સભ્ય હરદેવસિંહ જાડેજાનું કહેવું છે કે, તપાસ કમિટીના રિપોર્ટ સબમિટ સમયે ડો.ભાવિન કોઠારીની રિપોર્ટમાં સહી હતી. પરંતુ તેઓ ગેરહાજર હતા. સામાન્ય રીતે રિપોર્ટ તૈયાર થયા પછી સમિતિના તમામ સભ્યોની હાજરીમાં સહી કરવાની રહેતી હોય છે. પણ ડો. ભાવિન કોઠારીની અગાઉથી સહી હોવાથી શંકાઓ ઉપજી રહી છે. તેમજ તત્કાલીન રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાના પ્રયાસો થતા હોવાનું પણ લાગતા પોતે આ સમિતિના રિપોર્ટમાં સહી કર્યા વગર અલગથી મારો રિપોર્ટ સબમિટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં અનેક બાબતો પણ રજીસ્ટ્રાર જતીન સોની તરફ ઇશારો કરી રહી છે. જો કે તેઓ આ મુદ્દે અજાણ હોવાની શક્યકતા પણ નકારી  શકાય તેમ નથી. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ થાય તો સાચી ખોટી સહી, ટ્રેક્ટરના ફેરામાં ગોલમાલ સહિત અનેક મહત્વની વિગતો બહાર આવી શકે તેમ છે. હાલ  તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કુલ 13-14 વ્યક્તિના નિવેદનો લેવામાં આવ્યા છે. અને આ પ્રકરણમાં ક્યાં પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા તે આગામી સિન્ડિકેટ બેઠકમાં નક્કી કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud