• કૌભાંડીયાઓ આર્મીનાં નામે પેથોલોજી લેબોરેટરીમાં ફોન કરી જવાનોને કોરોનાને રીલેટેડ બ્લડ ટેસ્ટ અંગેની ટેલિફોનિક પૂછપરછ કરે છે
  • પેથોલોજીસ્ટ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી
  • ક્વોટેશન મોકલાય તે પછી ફરી ફોન કરી આર્મીના નામે ડિસ્કાઉન્ટની માંગ કરવામાં આવે છે
  • રીપોર્ટ કાઢવા માટે પૈસાની ચુકવણી કરવાની લિંક પર ક્લિક કરવાથી લેબ સંચાલકના એકાઉન્ટ માંથી પૈસા જતા રહે છે

WatchGujarat. એકતરફ કોરોના કાળ ચાલી રહ્યો છે. સાથે બીજીતરફ કોરોનાની દવાઓનાં કાળાબજાર સહિતનાં કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ભેજાબાજોએ કૌભાંડનો સાવ નવો નુસખો અપનાવ્યો છે. આર્મીનાં નામે કોરોના રિપોર્ટ કરનાર લેબોરેટરી સંચાલકો સાથે છેતરપીંડી કરવાનું શરૂ કર્યું છે. રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ આ પ્રકારે છેતરપીંડી થયાનાં કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઈને આ રાજ્યવ્યાપી કૌભાંડ મામલે સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી છે. અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કૌભાંડીયાઓ આર્મીનાં નામે પેથોલોજી લેબોરેટરીમાં ફોન કરે છે. ત્યારબાદ તે આર્મી જવાનોના કોરોનાને રીલેટેડ બ્લડ ટેસ્ટ અંગેની ટેલિફોનિક પૂછપરછ કરે છે. અને ડીલ ફાઈનલ કરીને લેબોરેટરી સંચાલક કે તેના સ્ટાફ મેમ્બરનાં ખાતામાંથી હજારો રૂપિયા ઉપાડી રહ્યા છે. જે અંગે પેથોલોજીસ્ટ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ્સ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ્સ દ્વારા ડીસીપીને આ અંગેની લેખિત અરજી આપીને સાયબર ક્રાઈમ સેલ મારફત તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, પેથોલોજીસ્ટોને જુદા જુદા નંબરો પરથી ફોન આવે છે કે, અમે તમારા શહેર કે જિલ્લામાં ડયૂટી પર મૂકાયા છીએ અને પંદર-વીસ જવાનોને સીઆરપી, સીબીસી, ડી-ડાઈમર વગેરે ટેસ્ટ કરવાના હોય તે માટે ક્વોટેશન આપો. ક્વોટેશન મોકલાય તે પછી ફરી ફોન કરી આર્મીના નામે ડિસ્કાઉન્ટની માંગ કરવામાં આવે છે.

ભારે રકઝક બાદ ડિસ્કાઉન્ટ સાથે ડીલ ફાઈનલ થયા બાદ કેમ્પસમાં એન્ટ્રી માટે ગેટ પાસ કઢાવવાનાં બહાને સેમ્પલ લેવા આવનાર વ્યક્તિનાં આધારકાર્ડની માંગ કરવામાં આવે છે. સામે કર્નલ પોતાના પણ ફોટા અને કાર્ડ મોકલે છે. બાદમાં, ગૂગલ પે, ફોન પે, એમેઝોન પે અથવા પેટીએમ યુપીઆઈ મારફત જ પેમેન્ટનો આગ્રહ રાખવામાં આવે છે. અને એકાઉન્ટ ચેક કરાવવા પાંચ દસ રૂપિયાની પરસ્પર આપ-લે પણ કરાવવામાં આવે છે. દરમિયાન મોબાઈલ પર લિન્ક મોકલતા રહી ઝડપ રાખવાનું કહીને પાંચે’ક વખત લિન્ક ક્લિક કરી ઓકે કરાવતા રહી પૈસા આપવાનું તો દૂર ઉલ્ટું જે બેલેન્સ હોય તે પણ ઉપાડી લે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સમગ્ર મામલે ગુજરાત પેથોલોજીસ્ટ્સ એસો.નાં પ્રમુખ ડો. રાજેન્દ્ર લાલાણીનાં જણાવ્યા મુજબ, મોટાભાગના સિનિયર પેથોલોજીસ્ટ તો ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ વાપરતા નહીં હોવાથી કોઈ સ્ટાફ મેમ્બરને સોંપી દેતા હોય છે. જેમાં સ્ટાફ મેમ્બરે પૈસા ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે. જોકે અમે રાજ્યના જુદા જુદા ઝોનના ડોક્ટરોના સોશિયલ મીડિયા ગ્રુપમાં રોજ મેસેજ મૂકતા રહીને સૌને સાવધાન રહેવા તાકીદ કરતા ઘણા ડોક્ટરો સાથે ચીટિંગ થતું અટક્યું છે. પરંતુ અત્યાર સુધી અનેક ડોક્ટર્સ અને સ્ટાફે હજારો રૂપિયા ગુમાવ્યા હોય આની તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કૌભાંડીઓ આર્મીનો યુનિફોર્મ પહેરેલા વ્યક્તિનો ફોટો, પાન નંબર અને ઓળખપત્ર પણ બતાવે છે. અને પોતે આર્મીમેન હોવાનો વિશ્વાસ અપાવ્યા બાદ કૌભાંડ આચરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud