• રાજકોટમાં (Rajkot) મારુતિનગર મુખ્ય રસ્તા પાસે રઘુભાઈ નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારતો હોવાની બાતમી મળતા પોલીસ એક્શનમાં આવી
  • બાતમીના આધારે પોલીસે તપાસ કરતા દેશી બનાવતી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા
  • પૂછપરછ કરાતા આરોપીએ તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખ્યું હોવાનું જણાવ્યું

Watchgujarat. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતૂસ સાથે એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. રઘુભાઈ ધારાભાઈ મુંધવા નામના આ વ્યક્તિની પૂછપરછમાં તેણે બિન્દાસ્ત થઈ કહ્યું હતું કે, હથિયાર રાખવાનો શોખ હોવાને કારણે તેણે પોતાની પાસે આ પિસ્તોલ રાખી છે. આરોપીની આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ શખ્સ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવતા પોલીસે હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.વી. રબારીનાં કહેવા અનુસાર, મારી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ પાસે આવેલ મારુતિનગર મુખ્ય રસ્તા પાસે રઘુભાઈ નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારી રહ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ઝડતી કરતા દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ શખ્સની પૂછપરછ કરાતા આરોપીએ તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખ્યું હોવાનું જણાવ્યું હતું. આ શખ્સનો ગુનાહિત ઈતિહાસ તપાસતા તેના ચેક વિરુદ્ધ અગાઉ 2016, 2018, 2019ના વર્ષમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ચોટીલા પોલીસ સ્ટેશન અને જામનગર ખાતે વિવિધ ગુનાઓ નોંધાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે પણ જાહેરનામા ભંગનો કેસ આરોપી વિરુદ્ધ નોંધાયો છે.

હાલ તો પોલીસે રઘુભાઈની પૂછપરછ શરૂ કરી દીધી છે. જેમાં આખરે તેણે કેટલા સમયથી આ ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખ્યું હતું? તેમજ હથિયારનો અત્યાર સુધીમાં તેણે કોઈ દિવસ ઉપયોગ કર્યો છે કે કેમ? ગેરકાયદેસર હથિયાર તેણે કોની પાસેથી કેટલા રૂપિયામાં ખરીદ કર્યું હતું? ગેરકાયદેસર હથિયારના ખરીદ-વેચાણના ધંધામાં તે શામેલ છે કે કેમ? સહિતનાં મુદ્દે જાણકારી મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud