રાજકોટ. વિજયાદશમીનાં પાવન પર્વ નિમિતે આજે રાજવી પરિવાર દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે વર્ચ્યુઅલ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં તમામ નિયમોનું ખાસ પાલન કરાયું હતું. સાથે જ વધુમાં વધુ લોકો આ વર્ષો જૂની મહામૂલી પરંપરાને નિહાળી શકે તે માટે ફેસબુક, યુટ્યુબ સહિતનાં વિવિધ માધ્યમો દ્વારા આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. અને મોટી સંખ્યામાં લોકો પણ ઓનલાઈન માધ્યમોથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ તકે રાજવી માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, જુદા-જુદા 10 વિકારો પર વિજય પ્રાપ્તિનો પર્વ એટલે વિજયાદશમી કહેવાય છે. શસ્ત્ર, શાસ્ત્ર અને જ્ઞાનની પૂજા એ ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય પ્રજા, નારી અને ગૌ રક્ષા માટે હથિયાર ઉઠાવતા હોય છે. જેનું આજના દિવસે પૂજન કરવામાં આવે છે. ત્યારે વાત સમજવી જરૂરી છે કે, શસ્ત્રોનો ઉપયોગ હંમેશા નિર્દોષનાં રક્ષણ માટે થવો જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રણજીત વિલાસ પેલેસમાં શસ્ત્રોની સાથે ગાદીનું પૂજન પણ કરાયું હતું. આ ગાદીનું મહત્વ છે કે, રાજકોટ રાજ્યનાં સ્થાપક એવા વિભાજી બાપુ દ્વારા ઇસ. 1610માં રાજકોટ વિકસાવાયું હતું. ઇસ. 1615માં એમણે સંઘાર લીધા બાદની આ રાજગાદી છે. જુના સમયમાં પણ લોકો રાજગાદીની પૂજા કરવાની સાથે તેની માનતા રાખતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, પ્રતિવર્ષ ક્ષત્રીય સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત છાત્રાલયે એકત્ર થતા હોય છે. અને પદયાત્રા કરીને આશાપુરા મંદિરથી પેલેસ સુધી પહોંચતા હોય છે. પરંતુ અત્યારે સરઘસ યોજવાનું મુનાસિબ નથી. જેને લઈને પારંપરિક કાર્યક્રમમાં સો વ્યક્તિઓનીછૂટ હોવા છતાં રાજવી પરિવાર દ્વારા સાદાઈથી શસ્ત્રપૂજન કરવાનો નિર્ણય લેવાયો હતો. અને વર્ચ્યુઅલ માધ્યમથી શસ્ત્રની સાથે અશ્વપૂજન, ગાદી પૂજન અને રથનું પૂજન કરવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud