• મુખ્યમંત્રી રૂપાણીએ વાવાઝોડાથી પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામની મુલાકાત લીધી
  • ગરાળ ગામના સરપંચ વડીલ શ્રીમતી મોંઘીબેન સોલંકીએ જીવનમાં ક્યારેય ભુલાય નહીં એવું ભયાનક વાવાઝોડું હતું તે અંગે આપવીતી વર્ણવી
  • મુલાકાત દરમિયાન મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા

WatchGujarat. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગીરસોમનાથ-અમરેલીનાં તૌકતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. દરમિયાન ઉના તાલુકાના ગરાળ ગામની મુલાકાત લીધી, ત્યારે વાવાઝોડાથી થયેલા નુકસાનને લીધે હતાશ થઈ ગયેલા ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી. જેમાં મુખ્યમંત્રીને આપવીતી જણાવતા આ ગામના મહિલા સરપંચ સહિત ગ્રામજનો પણ ભાવુક બની ગયા હતા. જો કે મુખ્યમંત્રીએ તેમને સધિયારો આપી તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી છે.

જાણવા મળતી વિગત મુજબ, મુખ્યમંત્રી રૂપાણીએ વાવાઝોડાથી પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામની મુલાકાત લીધી હતી. ત્યારે  ગ્રામજનો સાથે સંવેદનાભર્યો સંવાદ થતાં ગ્રામજનો ભાવુકતા સાથે ગદગદીત થયા હતા. ગરાળ ગામના સરપંચ વડીલ શ્રીમતી મોંઘીબેન સોલંકીએ જીવનમાં ક્યારેય ભુલાય નહીં એવું ભયાનક વાવાઝોડું હતું તે અંગે આપવીતી વર્ણવી હતી.

આ તકે મુખ્યમંત્રીએ અમે પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખીના ઉમદા ભાવ સાથે આપ્તજન, તરીકે હિંમત અને સધિયારો આપતા મહિલા સરપંચ મોંઘીબેન સોલંકીની આંખમાં આસું આવી ગયા હતા. અને ગ્રામજનો પણ ભાવુક થઈ ગયા હતા. રૂપાણીએ અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરી આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી રૂપાણી સવારે ગાંધીનગરથી હવાઈમાર્ગે આ અસરગ્રસ્ત વિસ્તારો અને ગામોની મુલાકાતે જવા રવાના થયા હતાં. અને ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચતા સુધી આવતા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લઈને વાવાઝોડાથી થયેલ નુકસાની મામલે જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યું છે.

બેઠક બાદ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત ઉના સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. સાથે વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારી સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી. આ હેતુસર હાલ વીજ દુરસ્તી કામમાં કાર્યરત 200 કર્મચારીઓ ઉપરાંત આવતીકાલ શુક્રવાર સુધીમાં વધારાના 300 જેટલા કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને વીજસેવા તાત્કાલિક પૂર્વવત કરવાનાં અદેશો આપ્યા હતા.

આ ઉપરાંત રૂપાણીએ ગરીબ વર્ગના લોકો સહિતના લોકોના મકાનોને થયેલા નુકશાનનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તેમજ ઉના નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલી આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે જરૂર જણાયે વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવી બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરી છે. સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં 170 ગામમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જનરેટર મૂકીને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે 24 કલાકમાં કામગીરી પૂર્ણ થઇ છે. હવે માત્ર 64 ગામોમાં આ વ્યવસ્થા કરવાના બાકી છે તે આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં કરી નાખવા મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud