• ભુપત બોદર જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર
  • ભાનુબેન ભાજપનાં પૂર્વ ધારાસભ્ય હોવાની સાથે જ કદાચ એકમાત્ર કરોડપતિ મહિલા ઉમેદવાર છે
  • ભાજપનાં આ બંને દિગ્ગજ ઉમેદવારો પૈકી કોઈ ઉપર ક્યારેય ફોજદારી ગુનો નોંધાયો નહીં હોવાનું આ બંનેના સોગંદનામામાં જણાવાયું

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ખૂબ જ થોડા દિવસો બાકી છે. અને ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે શહેર-જિલ્લામાંથી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો પૈકી એક જિલ્લાનાં સૌથી ધનિક હોવાની સાથે લકઝરી કારનાં મોટા શોખીન છે. જ્યારે શહેરનાં મહિલા ઉમેદવાર કરોડોની સંપત્તિ ધરાવતા હોવાની સાથે બીજી ટર્મમાં મેયર પદનાં પ્રબળ દાવેદાર પણ છે.

લકઝરી કારનાં શોખીન ત્રંબા બેઠકનાં ઉમેદવાર પાસે છે સૌથી વધુ 29 કરોડની છે સંપત્તિ

રાજકોટ જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પરથી ભાજપ દ્વારા ભુપત બોદર ને ટિકિટ આપવામાં આવી છે. ભુપત બોદર જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર છે. અને તેણે પોતાના સોગંદનામાં રજૂ કરેલી માહિતી મુજબ તેમની પાસે રોકડ, સોનાના દાગીના, તેમજ જમીન સહિત કુલ રૂપિયા 29 કરોડની સંપત્તિ છે. જેમાં 25 લાખની એક ફોર્ચ્યુનર કાર, 30 લાખની એક સ્કોડા કોડિયાર્ક, 10 લાખની ઇનોવા કાર સહિત 70 લાખ રૂપિયાનાં વાહનો છે. તેમજ પતિ-પત્ની પાસે રૂ. 37 લાખ કિંમતનું 750 ગ્રામ સોનુ છે.

કરોડોની ખેતી-બિનખેતી જમીનનાં માલિક છે બોદર

સોગંદનામા મુજબ ભુપત બોદર પાસે રાજકોટ, ભરૂચ અને મુંબઇમાં મળી કુલ 15 જેટલી ખેતીની જમીન છે. એટલું જ નહીં રાજકોટ અને અમદાવાદમાં 14 જેટલી બિનખેતીની જમીનનાં તેઓ માલિક છે. આ જમીનની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. પણ આ માટે તેમણે અત્યાર સુધી 5 જેટલી બેંકો પાસેથી લોન લીધી હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે. ભુપત બોદર શહેર-જિલ્લાના નેતાઓ આગેવાનો સાથે સારો એવો ઘરોબો ધરાવતા હોઈ જિલ્લા પંચાયતમાં સરકાર બને સમિતિઓની રચનામાં પણ તેમને સ્થાન મળવાનું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.

પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ભાજપનાં આ મહિલા કરોડપતિ ઉમેદવાર

ભાજપ દ્વારા વોર્ડ નં.1ના ઉમેદવાર તરીકે ભાનુબેન બાબરીયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ભાનુબેન ભાજપનાં પૂર્વ ધારાસભ્ય હોવાની સાથે જ કદાચ એકમાત્ર કરોડપતિ મહિલા ઉમેદવાર છે. તેમણે સોગંદનામામાં જણાવ્યા મુજબ તેમની પાસે રૂ. 3.29 કરોડની ફિક્સ ડિપોઝીટ અને 24 લાખનું સોનુ ઉપરાંત અરડોઈ ગામે રૂપિયા 10 લાખની જમીન પણ છે. તો ભાનુબેનના પતિના જુદા-જુદા બે બેંક ખાતામાં 1.48 કરોડ રૂપિયાની રોકડ રકમ છે. ભાનુબેન બીજી ટર્મમાં મેયર બને તેવી પૂરતી શક્યતાઓ જોવાઇ રહી છે.

ભાનુબેન બાબરીયાનાં પતિ પણ છે કરોડોની જમીનનાં માલિક

સોગંદનામાં મુજબ ભાનુબેનની મિલકતમાં 24 લાખની કિંમતનું 500 ગ્રામ સોનુ છે. જ્યારે તેમના પતિની પાસે લાપાસરી, કોઠારીયા અને અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે ખેતીની જમીન ઉપરાંત નવા થોરાળામાં રહેણાંક મકાન અને અનામીકા સોસાયટીમાં એક મકાન છે. આ સિવાય પણ તેમની પાસે LICની પાંચ જેટલી પોલીસી તેમજ હોન્ડા, એક્ટિવા અને કાર સહિતનાં વાહનો પણ છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે રાજકીય પક્ષના દરેક ઉમેદવાર સામે કોઈને કોઈ ગુનો નોંધતો હોય છે. પરંતુ ભાજપનાં આ બંને દિગ્ગજ ઉમેદવારો પૈકી કોઈ ઉપર ક્યારેય ફોજદારી ગુનો નોંધાયો નહીં હોવાનું આ બંનેના સોગંદનામામાં જણાવાયું છે. અને એટલે જ ભુપત બોદરને જિલ્લા પંચાયતની સમિતિમાં જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ધારાસભ્ય રહી ચુક્યા હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડતા ભાનુબેનની મહિલા મેયર તરીકે બીજી ટર્મમાં પસંદગી લગભગ નિશ્ચિત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud