• વિકાસના નવા શિખરો સર કરવામાં ભાજપનો ખુબ મહત્વનો ફાળો રહ્યો છે – માંધાતાસિંહજી
  • વિન્ટેજ કાર પેકકાર્ડ ક્લીપર 1947ની (7 સીટર કસ્ટમ સુપર 8 સિલિન્ડર) કારમાં રાજવી પરિવાર મતદાન કરવા પહોંચ્યા

WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. અને સામાન્ય માણસથી લઈ મહાનુભાવો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહએ પણ પોતાની ખાસ વિન્ટેજ કારમાં પરિવાર સાથે જઈ લોકશાહીનાં પાવન પર્વની ઉજવણી કરી હતી. પેકકાર્ડ ક્લીપર નામની 1947નાં વર્ષની વિન્ટેજ કારમાં ઠાકોર માંધાતાસિંહજી પરિવાર સાથે રણજીત વિલાસ પેલેસ ખાતેથી નિકળ્યા હતા. બાદમાં પેલેસ રોડ થઈ વર્ધમાન નગર ખાતેની મુરલીધર હાઈસ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું.

આ તકે ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત અને રાજકોટનો ખૂબ વિકાસ થયો છે. વિકાસના નવા શિખરો સર કરવામાં ભાજપનો ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારે ખાસ માઁ અમૃતમ સહિતની સરકારની પ્રજાલક્ષી યોજનાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. વધુમાં વધુ લોકોને મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની નૈતિક ફરજ અદા કરવાની અપીલ પણ માંધાતાસિંહજીએ કરી હતી.

વિન્ટેજ કાર પેકકાર્ડ ક્લીપર 1947ની (7 સીટર કસ્ટમ સુપર 8 સિલિન્ડર) કાર છે. આ કારે 2020ની 15 અને 16 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ દિલ્હી ખાતે કર્મા લેકલેન્ડસ ગોલ્ફ કોર્સ ખાતે યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં “પોસ્ટ વોર અમેરિકન બેસ્ટ ઇન ક્લાસ” શ્રેણીમાં પણ 8મી એડિશન 21 Gun Salute International Vintage Car Rally & Concours Show D’ Elegance 2020 માં આ વિન્ટેજ કારને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી દ્વાર તમામ ચૂંટણી સમયે પરિવાર સાથે મતદાન કરવામાં આવે છે. અને મોટાભાગે તેઓ જુદી-જુદી વિન્ટેજ કારમાં જ બહાર જતા હોય છે. રાજકોટનાં રણજીત વિલાસ પેલેસથી જ્યારે પણ તેઓ વિન્ટેજ કાર લઈને બહાર આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્યો તેમજ અલગ-અલગ વિન્ટેજ કાર નિહાળવા ઉમટી પડતા હોય છે.

ત્યારે આજે પણ તેઓ જ્યારે મતદાન કરવા નિકળ્યા ત્યારે વિન્ટેજ કાર સાથે તેમની ઝલક નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ અગાઉની ચૂંટણીની જેમ આ વખતે પણ પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન કરવા જવાની પરંપરા અને મતાધિકારની પવિત્ર ફરજ પણ નિભાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud