• ગઈકાલે થયેલા 66 મોત પૈકી માત્ર 14 વ્યક્તિઓનાં ડેથ કોરોનાને કારણે થયા હોવાનું આજે જાહેર કરાયુ
  • રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઇ અત્યાર સુધીમાં સોનીબજાર, પેલેસ રોડ ઉપરના 700થી વધુ સોની વેપારીઓ સંક્રમિત થઇ ચુક્યા છે
  • તમામ શો-રૂમ અને બંગાળી કારીગરો જ્યાં જોબવર્ક કરે છે એ દુકાનો બંધ રાખવા સોનીબજાર એસોસિએશને અનુરોધ કર્યો

WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 77 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જો કે આ પૈકી કેટલા મોત માત્ર કોરોનાને કારણે જ થયા છે તે અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવાશે. પરંતુ સતત વધતા કોરોના સંક્રમણને લઈ વેપારી સંગઠનો દ્વારા ઠેર-ઠેર સ્વૈચ્છીક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેમાં સોની બજારમાં પાંચ દિવસનું તો શાપર-વેરાવળ-આજી-મેટોડા જીઆઇડીસી ખાતે પણ બે દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 77 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે આ પૈકી મોટા ભાગના દર્દીઓ કોરોના સાથે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી અન્ય બીમારીઓથી પણ પીડિત હોવાથી કોરોનાથી થયેલા મોત અંગેનો નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઈકાલે થયેલા 66 મોત પૈકી માત્ર 14 વ્યક્તિઓનાં ડેથ કોરોનાને કારણે થયા હોવાનું આજે જાહેર કરાયુ છે. તો આજે બપોરે સુધીમાં જ કોરોનાનાં નવા 379 કેસ નોંધાયા છે.

રાજકોટની વિશ્વ વિખ્યાત સોની બજાર દ્વારા આજથી સળંગ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન પાળવા નિર્ણય કર્યો છે. રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઇ અત્યાર સુધીમાં સોનીબજાર, પેલેસ રોડ ઉપરના 700થી વધુ સોની વેપારીઓ સંક્રમિત થઇ ચુક્યા છે. જ્યારે નામી અનામી અનેક સોની વેપારીઓને કોરોના ભરખી ગયો છે. કોરોનાનો વધુ એક કાતિલ વેવ શરૂ થતાં જ સોની મહાજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અને સંક્રમણની આ ચેનલ તોડવા માટે આજથી 5 દિવસ એટલે કે સોમવાર સુધી સોની બજાર સ્વૈચ્છિક લોકડાઉન રાખશે તેવો નિર્ણય કરવામા આવ્યો છે. તો સાથે જ તમામ શો-રૂમ અને બંગાળી કારીગરો જ્યાં જોબવર્ક કરે છે એ દુકાનો બંધ રાખવા સોનીબજાર એસોસિએશને અનુરોધ કર્યો છે.

કોરોના સામેના જંગમાં સરકારે તો લોકડાઉનનો નિર્ણય લેવાની ગંભીરતા લીધી નથી. જેના કારણે હવે જુદા જુદા વેપારી સંગઠનો કાતિલ વાયરસની સંક્રમણ ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની દિશામાં આગળ આવ્યા છે. શાપર-વેરાવળ, મેટોડા, આજી સહિતની જીઆઇડીસીએ પણ બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. અને આ બે દિવસ દરમિયાન ખાસ તમામ ઉદ્યોગકારો પોતાના કારખાના સજ્જડ બંધ રાખવાના હોવાનું સ્થાનિક એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud