• સિંહોની ત્રિપુટીએ અનેક પશુઓનાં મારણ કરતા સ્થાનિક ખેડૂતો તેમજ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો
  • ગીરથી ફોરેસ્ટ વિભાગની ખાસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
file photo

WatchGujarat. જિલ્લામાં છેલ્લા 42 કરતા વધુ દિવસોથી ત્રણ સિંહો આંટાફેરા કરતા હતા. સિંહોની ત્રિપુટીએ અનેક પશુઓનાં મારણ કરતા સ્થાનિક ખેડૂતો તેમજ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને લઈને ગીરથી ફોરેસ્ટ વિભાગની ખાસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ટીમે ત્રણેય સિંહોને પાંજરે પૂર્યા છે. અને સાસણ લઈ જવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ સિંહોને ગીરનાં જંગલમાં છોડી મુકવામાં આવનાર છે.

રાજકોટ વન વિભાગની ટીમે સાસણ વન વિભાગની ટીમને સાથે રાખી ત્રણેય સિંહો રેસ્ક્યુ કર્યું છે. ત્યારે તમામ સિંહને ગીર તરફ લઈ જવાતા માલધારીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ, ગોંડલ અને જેતપુર સહિતનાં તાલુકાઓમાં ત્રણ સાવજો ફરી રહ્યા હતા. અને અનેક પશુઓનું મારણ પણ કર્યું હતું.

એકાદ સપ્તાહ પૂર્વે રાત્રીના સાવજો રાજકોટ શહેરની હદ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. અને આ સિંહો દ્વારા કાળુભાઈ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કરી મિજબાની માણવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના દરમિયાન સિંહો લોઠડા, હલેન્ડા, પાડાસણ, કથરોટા, પડવાલ, રાજપરા, આરબ ટીંબડી, સુખપુર, ભાયાસર, અરડોઇ, લોધીકા, કોટડાસાંગાણી, રીબડા સહિતના ગામોમાં જોવા મળ્યા છે. અને સિંહોની ત્રિપુટીએ જે પ્રકારે માલધારીઓના પશુધનનું મારણ કર્યું હતું તેને લઈને માલધારીઓમાં ભયની સાથે રોષ ફેલાયો હતો. અને આગેવાનોએ જ આ સિંહોને ગીર તરફ મોકલવા પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud