• લગ્ન પ્રસંગમાં ખરીદી કરવા નિકળેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો
  • જીપ ચાલકને ઝોકું આવી જતા અકસ્માત થયાની પ્રાથમિક માહિતી
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ, પોલીસે વધુ તપાસ શરૂ કરી
  • કારમાંથી દારૂની બોટલ મળી આવી

WatchGujarat. ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીના બસ સ્ટોપ પાસે બસની રાહ જોઇને ઉભેલા ગઢકાના એક જ પરિવારના 4 સભ્યોને યુટિલિટી જીપ ચાલકે ઠોકરે લીધા હતા. જેમાં 14 વર્ષની બાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેણીની માતા ઘાયલ થતા તેને સારવારમાં ખસેડાયા હતા. મૃતકનાં કાકાનાં લગ્ન 16 ફેબ્રુઆરીએ હોઇ તેણી માતા સાથે ખરીદી કરવા નિકળી હતી. અને રાજકોટ આવવા માટે બસની રાહ જોતી હતી ત્યારે કાળ ભેટી જતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જીપનો ચાલક પોતાને ઝોકું આવી જતા અકસ્માત થયો હોવાનું જણાવી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડની સાઈડમાં અચાનક જ એક યુટીલિટી જીપ પુરપાટ ઝડપે ધસી આવે છે. અને ત્યાં રહેલા વૃક્ષ સાથે અથડાય છે. આ દરમિયાન જીપની ઠોકરે બસની રાહ જોઇને ઉભેલા માતા-પુત્રી ફંગોળાયા હતા. જેમાં ગંભીર ઈજાને પગલે માતાની નજર સામે જ પુત્રીનું મોત નિપજ્યું હતું. અને માતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઇ ગયા હતા. અને જીપનાં ચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગઢકા ગામે રહેતા રંજન બેન પ્રવીણભાઈ બથવાર 13 વર્ષની પુત્રી કાજલ તથા 2 વર્ષિય પુત્ર દેવાંશું સાથે રાજકોટ આવવા નિકળ્યા હતા. અને આર. કે. યુનિ. પાસે બસની રાહ જોતા હતા. દરમિયાન અચાનક જ એક જીપના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પુરપાટ ઝડપે ધસી આવી હતી. અને આ જીપે ઝાડ સાથે અથડાવા સાથે માતા-પુત્રીને પણ અડફેટે લીધા હતા.

અકસ્માતમાં જીપની ઠોકરે ફંગોળાયેલી કાજલ પર જીપના તોતિંગ વહીલ ફરી વળતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાને પગલે માતા રંજનબેનને સારવાર માટે ખસેડાયા છે. લોકોએ મૂળ એમપીનાં જીપનાં ચાલક બળવંતસિંઘ સીસોદીયાને ઝડપી લીધો હતો. તેમજ તપાસ કરતા જીપમાંથી એક બોટલ દારૂ પણ મળી આવ્યો છે. જો કે  બળવંતસિંઘ પોતાને ઝોકું આવી જતા અકસ્માત થયાનું રટણ કરી રહ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક કાજલનાં કાકા જગદીશભાઈનાં બુધવારે લગ્ન લખાયા હતા. અને 16 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હોઈ તેણી માતા સાથે ખરીદી કરવા રાજકોટ જવા નીકળી હતી. તેમજ માતા-પુત્રી વાહન મળવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક જીપ ધસી આવતા દુર્ઘટના બની હતી. જે પરિવારમાં લગ્નનાં ગીતો ગવાઈ રહ્યા હતા. ત્યાં મરસિયા શરૂ થતાં પરિવારની સાથે ગઢકા ગામમાં પણ માતમ છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud