• રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લાલીયાવાડી સામે આવી રહી છે. પરંતુ કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી
  • શુક્રવારે અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધનું પોસ્ટ મોર્ટમ કર્યા સિવાય મૃતદેહ પરિવારજનોને સોંપવાની ગંભીર બેદરકારી સામે આવી
  • સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતા અંતિમવિધિ રોકીને વૃદ્ધનાં મૃતદેહને પરત લાવવાની કામગીરી હાથ ધરી

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોના વંટોળમાં ઘેરાયેલી જોવા મળી છે. ગઈકાલે જ કોરોનાનાં દર્દીને બેરહેમીથી માર મારવાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે જ ગોંડલ અંતિમવિધિમાંથી મૃતદેહને પરત મંગાવવાની પોલીસને ફરજ પડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં બટુકભાઇ નામના એક વૃદ્ધનું મોત નીપજયું હતું. નિયમ મુજબ અકસ્માતે થતા મોતમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. પરંતુ સિવિલ હોસ્પિટલનાં જવાબદાર અધિકારીઓએ પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. અને મૃતક ગોંડલનાં હોવાથી પરિવારજનો તેને વતન લઈ ગયા હતા અને અંતિમવિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

જો કે અચાનક જ આ બાબત પોલીસતંત્રનાં ધ્યાને આવતા સમગ્ર મામલનો પર્દાફાશ થયો હતો. જેને લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરત લાવવા પરિવારને જણાવાયું હતું. આ માટે પરિવારને કરવામાં આવેલા ફોનની ઓડિયોક્લિપ પણ સામે આવી છે. હાલ તો પરિવાર દ્વારા અંતિમવિધિ રોકીને વૃદ્ધનાં મૃતદેહને પરત લાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ મામલે હોસ્પિટલ અને પોલીસ તંત્રની બેદરકારીને લઈને અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud