• મૃતકની એક ડાયરી સામે આવતા તેના સાઢુએ જ ભાગીદારી પેઢીમાં રૂપિયા 45 લાખથી પણ વધુની ગોલમાલ સામે આવી
  • મૃતકના કબાટમાંથી એક શ્રીફળ,લીંબુ તથા કાળા દોરા મળી આવતા તાંત્રિક વિધીની આશંકા
  • યસુભાએ અલગ-અલગ સમયે વિવિધ વ્યવહારો અને ખર્ચ બતાવી ભાગીદારી પેઢીમાં ગોટાળો કરી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર. શહેરમાં ભારે ચકચાર મચાવનાર નિવૃત્ત DYSPનાં પુત્રએ પરિવારનાં સભ્યોને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી હતી. ઘટનાનાં દોઢેક માસ બાદ આ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મૃતકની એક ડાયરી સામે આવતા તેના સાઢુએ જ ભાગીદારી પેઢીમાં રૂપિયા 45 લાખથી પણ વધુની ગોલમાલ કરી વિશ્વાસઘાત કરી મરવા માટે મજબૂર કર્યા હોવાનું ખુદ મૃતકે લખ્યું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે મૃતકનાં પિતા અને પૂર્વ DYSP નરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નરેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના મૃતક પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ અને પરિવારના નિધન બાદ તેમના કબાટમાંથી નવ પાનાની એક ફાઇલ મળી આવી હતી. તેમાં દર્શાવાયેલ વિગત અને તેના આધારે તપાસ કરતાં પૃથ્વીરાજસિંહે તેના સાઢુ યસુભા ઉર્ફે યશવંતસિંહ રઘુભા રાણા સાથે માં એન્ટરપ્રાઇઝ નામથી ભાગીદારી પેઢી બનાવી હોવાનું સામે આવ્યું છે. આ પેઢીમાં યસુભાએ અલગ-અલગ સમયે વિવિધ વ્યવહારો અને ખર્ચ બતાવી ભાગીદારી પેઢીમાંથી રૂ. 45,30,482 નો ગોટાળો કરી તેમની સાથે દગો અને વિશ્વાસઘાત કર્યો હતો.

એટલું જ નહીં યસુભા તેમના પત્ની મીનાબા, યશુભાના પિતા રઘુભા, તેમજ યસુભાનાં માતા દ્વારા ફરિયાદીનાં મૃતક પુત્રને તેમની પુત્રી યશસ્વીબાની સગાઇ યસુભાનાં પુત્ર યજ્ઞાદિપસિંહ સાથે કરાવવા દબાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે-સાથે પ્રદ્યુમનસિંહની અડધી સંપત્તિનું વીલ તેમના પુત્ર યજ્ઞદિપનાં નામે કરી આપવા દબાણ કરી ધાક-ધમકી આપતાં હોવાનો પણ ડાયરીમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે યસુભાની પુત્રી રૂતિકાબા, અને પુત્ર યજ્ઞદિપસિંહ તેમની બન્ને પૌત્રીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોવાનું પણ ફરિયાદમાં જણાવી ઉક્ત તમામ છ લોકોના ત્રાસના લીધે પુત્ર પ્રદ્યુમનસિંહ પરિવારને ગોળી મારી પોતે પણ મરવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

કબાટમાંથી શ્રીફળ, લીંબુ, કાળા દોરા મળ્યા, તાંત્રિક વિધિની આશંકા

ફરિયાદી નિવૃત DYSP નરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, તેમના મૃતક પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહના કબાટમાંથી એક શ્રીફળ,લીંબુ તથા કાળા દોરા મળી આવ્યા હતા. જેને પગલે મૃતકનાં પરિવાર પર યસુભા તથા તેમના પત્નીએ તાંત્રિક વિધિ કરાવી આપઘાત કરવા માટે મજબૂર કર્યા હોવાની આશંકા છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા નિવૃત્ત DYSP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ એન. જાડેજાએ ગત તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે પોતાની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયર કરી તેમના પત્ની બિનાબા, બે પુત્રીઓ નંદિનીબા અને યશસ્વીબાને ગોળી માર્યા બાદ પોતાને ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવના પગલે સમગ્ર શહેરમાં પણ હાહાકાર મચી ગયો હતો. તેમજ સરળ સ્વભાવનાં પ્રદ્યુમનસિંહે ભરેલા આ પગલાં અંગે અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં ચાલી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud