રાજકોટ. શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. જેમાં ઘણી વખત એક વાહન ચાલકની ભૂલનો ભોગ બીજો કોઈક વાહન ચાલક કે રાહદારી પણ બની જતો હોય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં બિગ બજાર નજીકમાં રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને પુરપાટ ઝડપે આવી રહેલી કારે હડફેટે લીધો હતો. જેને પગલે આ વ્યક્તિ ફૂટબોલની માફક ફંગોળાયો હતો. સમગ્ર ઘટના એક સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક બાદ એક કરી વાહનો પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન એટલાન્ટિસ એપાર્ટમેન્ટ પાસે એક વ્યક્તિ રોડની સાઈડમાં ઉભો છે. ત્યારે અચાનક જેટ ગતિએ એક કાર આવી તેને હડફેટે લે છે. જેને પગલે આ વ્યક્તિ ફૂટબોલની જેમ ઉછળી રોડ પર પટકાતા ઘટનાસ્થળે જ બેહોશ થઈ જાય છે. જેને લઈને સ્થાનિકોનાં ટોળા એકઠા થઇ જાય છે.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરનાં 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર પાસે એટલાન્ટિસ એપાર્ટમેન્ટ સામે આ દુર્ઘટનાં બની હતી. સવારે અગિયારેક વાગ્યે બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અને પોલીસ તેમજ 108ને જાણ કરી દેવામાં આવી હતી. અને 108 દ્વારા ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડાયો હતો.

જ્યારે પોલીસે કાર ચાલક સંપૂર્ણપણે દોષિત હોવાનું સ્પષ્ટ જણાતા તેની સામે ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી છે. તેમજ ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ મેળવીને તેના પરિવારને જાણ કરવાની કાર્યવાહી પણ પોલીસે શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને બેજવાબદાર કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud