• દર્દીને મારનાર સામે પગલાં લેવાને બદલે વિડીયો વાયરલ કરનારને ઝડપી લેવાતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યા
  • આ બંનેને તો વિડીયો વાયરલ કરવાની સજા મળવી નિશ્ચિત છે. પરંતુ આ વીડિયોમાં બેરહેમીથી દર્દીને મારી રહેલા કર્મચારીઓને સજા મળવા અંગે અનિશ્ચિતતા

રાજકોટ. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીને સ્ટાફ દ્વારા માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાદમાં વિડીયો 9 સપ્ટેમ્બરનો હોવાનું અને 12 તારીખે આ દર્દીનું મોત નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. મૃતકનાં ભાઈએ કોરોના નહીં પણ માર મારવાને લીધે મોત થયાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ સિવિલનાં સુપરિટેનડેન્ટે દર્દી માનસિક અસ્થિર હોવાનું જણાવ્યું હતું. અને આ વિડીયો વાયરલ કરનારને ઝડપી લેવા પોલીસમાં અરજી આપી હતી. જેને લઈને પોલીસે વિડીયો વાયરલ કરનાર બંને શખ્સોને ઝડપી લીધા છે. ત્યારે દર્દીને મારનાર સામે પગલાં લેવાને બદલે વિડીયો વાયરલ કરનારને ઝડપી લેવાતા લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. મૃતકને ન્યાય અપાવવા મરાઠી સમાજ પણ સામે આવ્યો છે. અને સમાજના લોકો દ્વારા સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

સિવિલ સુપરિટેનડેન્ટની અરજીને આધારે કાર્યવાહી કરીને પોલીસે વીડિયો વાઈરલ કરનાર બે શખ્સોને ઝડપી લીધા છે. રાજુ ગોસ્વામી અને નીતિન ગોહેલ નામના આ બંને શખ્સ પણ હોસ્પિટલનાં કર્મચારીઓ છે. અને એમ્બ્યુલન્સ ચલાવવાની કામગીરી કરે છે. ત્યારે હવે આ બંનેને તો વિડીયો વાયરલ કરવાની સજા મળવી નિશ્ચિત છે. પરંતુ આ વીડિયોમાં બેરહેમીથી દર્દીને મારી રહેલા કર્મચારીઓને સજા મળશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

ઉલ્લેખનીય છે કે, આ અંગે રાજકોટ આવેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ તપાસના આદેશ આપ્યા છે. જો કે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.પંકજ બૂચ તેમજ રાજકોટના નોડલ અધિકારી રાહુલ ગુપ્તા જણાવે છે કે, દર્દીની માનસિક સ્થિતિ ખરાબ હતી. ડિલિરીયમ કે જેને સરળ ભાષામાં ‘સનેપાત’ ઉપડ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. સાથે જ દર્દીએ બાટલા ચઢાવવા માટેની સોય અને નળીઓ ફેંકી હતી. તેમજ કપડાં કાઢવા જતો હોવાથી પકડી શાંત કરવાનું ઈન્જેક્શન આપ્યાનું કહેવાયું છે. સ્પષ્ટ દેખાતું હોવા છતાં માર ન મરાયો હોવાનું કહેતું તંત્ર જવાબદારો સામે કોઈપણ કાર્યવાહી કરે તેવા અણસાર સુધ્ધાં દેખાતા નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud