• અશક્ત બિમાર હાલતમાં મહિલાને ઇમરજન્સી વિભાગ પાસે જોતા જ સિક્યુરીટી સ્ટાફે તેમની પુછપરછ હાથ ધરી
  • સંતાનો દ્વારા તરછોડી દેવામાં આવેલા વૃદ્ધાને સિવિલ હોસ્પિટલના સ્ટાફે નવડાવી, કપડા પહેરાવ્યા
  • વૃદ્ધાનો ખોવાયેલો મોબાઇલ પરત મેળવવામાં મદદ કરી તેમની સારી કાળજી લેવામાં આવી

 

કુલીન પારેખ. શહેરની સિવિલ હોસ્પિટલની બેદરકારીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ અહીંના સ્ટાફની સારી કામગીરીની નોંધ ક્યારેક જ લેવાય છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલનાં સિક્યુરિટી સ્ટાફની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેમાં જેને સંતાનો છોડીને ચાલ્યા ગયા હતા, તેવા એક લાવરિસ વૃદ્ધાને નવડાવી અને નવા કપડાં પહેરાવ્યા હતા. સાથે જ આ અશક્ત વૃદ્ધાને તેના પરિવાર સુધી પહોંચાડવા જરૂરી કાર્યવાહી પણ કરી છે..

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારે સિવિલ હોસ્પિટલનાં ઇમર્જન્સી વિભાગ પાસે એક અશકત બિમાર મહિલા બિનવારસ હાલતમાં પડ્યા હતા. દરમિયાન હોસ્પિટલની સિકયુરીટી ટીમનાં એ. ડી. જાડેજા, સુપરવાઇઝર વિશાલભાઇ કારેણા રાઉન્ડમાં નીકળતાં તરત જ મહિલા સિકયુરીટી ગાર્ડને બોલાવ્યા હતા. અને આ મહિલાની પુછતાછ કરાવતાં તેમણે પોતાનું નામ 50 વર્ષીય રીટાબેન અવિનાશભાઇ મગન હોવાનું અને તેઓ વાવડી પાસે આવેલા ખોડલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં હોવાનું જણાવ્યું હતું.

વધુ પૂછપરછ કરતા રીટાબેને જણાવ્યું હતું કે, તારીખ 14-10-2020નાં રોજ તેમના પરિવારજનો કોરોનાનો ટેસ્ટ કરાવવા અહીં લાવ્યા હતા. અને રિપોર્ટ નેગેટિવ આવવા છતાં તેમને અહીં જ છોડીને જતા રહ્યા હતા. વધુમાં અસહાય વૃદ્ધાએ કહ્યું હતું કે, તેમનાં દીકરાનું નામ નીરજ અને દીકરીનું નામ દેવશ્રી છે. તેઓ પોતાને નહીં સાચવતા હોવાનું કહેતા આ વૃદ્ધા રડી પડ્યા હતા. અને સાથે જ પોતાને કોઈ સગાને ત્યાં નહીં આશાપુરા મંદિર માતાનાં મઢ જવું હોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

વૃદ્ધાની પૂછપરછ કર્યા બાદ મહિલા સિક્યુરિટી સ્ટાફે વૃદ્ધાને તેમનો ખોવાયેલો મોબાઈલ શોધવામાં મદદ કરી હતી. બાદમાં આ વૃદ્ધાને નવડાવી નવા કપડાં પહેરાવ્યા હતા. સાથે જ તેમને બિસ્કિટ સહિતનો નાસ્તો કરાવ્યો હતો. બાદમાં સિકયુરીટીની ટીમે RMO ડોક્ટર રોયની રાહબરીમાં 181ની ટીમને જાણ કરી હતી. અને વૃદ્ધાને તેમના પરિવાર પાસે પહોંચાડવાનાં જરૂરી પ્રયાસો પણ શરૂ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. અને સંતાનો પણ પોતાના વૃદ્ધ માતા-પિતાને સાચવવા તૈયાર નથી. આવા કપરા સમયમાં રસ્તે રઝળતા એક વૃદ્ધાને પોતાના વડીલ સમજીને સિક્યુરિટી સહિતનાં સ્ટાફ દ્વારા કરાયેલી મદદ ખરેખર પ્રશંસનીય છે. અને તેમની આ કામગીરીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. આ અનોખી સેવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પણ લોકો સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને સલામ કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud