• દર કલાકે એક વ્યક્તિનું મોત નિપજવાની સાથે-સાથે દર્દીઓને મારવા, સ્ટાફ પર હુમલો જેવા વિવિધ મુદ્દે સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં
  • કલેક્ટર રેમ્યા મોહન, મેયર બીનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિત
  • અનેક સમસ્યાઓ છત્તા આરોગ્ય સચિવ જયંતિ રવિએ મીડિયા સમક્ષ સબ સલામત હોવાનો દાવો કર્યો

રાજકોટ. શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે સ્ફોટક બની રહી છે. રોજનાં 100 કેસ અને સરેરાશ દર કલાકે એક વ્યક્તિનું મોત નિપજવાની સાથે-સાથે દર્દીઓને મારવા, સ્ટાફ પર હુમલો જેવા વિવિધ મુદ્દે સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહે છે. જેને પગલે સીએમ રૂપાણીનાં આદેશથી આરોગ્ય અગ્ર સચિવ ફરી રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. જો કે અહીં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું જણાવ્યું હતું. અને આ માટે રિકવરી રેટ વધ્યો હોવાનું કારણ પણ જણાવ્યું હતું.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં રાજ્યસભાના સાંસદ અને અભય ભારદ્વાજની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે. કલેક્ટર રેમ્યા મોહન, મેયર બીનાબેન આચાર્ય પણ સંક્રમિત થયા છે. આ સાથે જ હોસ્પિટલ તંત્રની અનેક બેદરકારીઓનાં વિડીયો સામે આવ્યા છે. જેમાં સ્ટ્રેચર ખાડામાં પડવું, તૂટી પડવું અને દર્દીને માર મારવા જેવી ઘટનાઓ બની રહી છે. આ બધાની વચ્ચે બપોરે અને સાંજે અગાઉથી નક્કી હોય તેમ 50-50 આસપાસનાં પોઝીટીવ કેસનાં આંકડા સામે આવે છે. અને દરરોજ લગભગ 25 દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ખુદ સીએમ રૂપાણીએ માત્ર 10 દિવસનાં ટૂંકાગાળામાં આરોગ્ય સચિવને રાજકોટ મોકલ્યા છે, એ વાત પણ સ્થિતિની ગંભીરતા સાબિત કરે છે.

જો કે આ બધાની વચ્ચે પણ આરોગ્ય સચિવ જયંતિ રવિએ મીડિયા સમક્ષ સબ સલામત હોવાનો દાવો કર્યો છે. અને જણાવ્યું છે કે રિકવરી રેટમાં પહેલા કરતા 10 થી 15 ટકાનો સુધારો આવ્યો છે. તંત્રના પ્રયાસોને લઈ પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. પરંતુ દર્દીઓના સાજા થવાની સંખ્યા પણ સતત વધી રહી છે. જો કે હવેનાં સમયમાં જિલ્લાનાં ગામડાઓમાંથી વધુ કેસ સામે આવવાની શક્યતા તેમણે દર્શાવી હતી. સાથે જ આ માટે પણ તંત્ર સજ્જ હોવાનો દાવો પણ કર્યો છે. અને શહેર તેમજ જિલ્લાનાં મુખ્ય મથકોમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી હોવાનું પણ તેમણે કહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud