રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ વધતા પોઝિટીવ કેસની સાથે અનેક દર્દીના જીવનદીપ બૂઝાઈ રહ્યા છે. આવા સંજોગોમાં શહેરના બેડીપરા વિસ્તારમાં રહેતા અને કદાચ શહેરના સૌથી મોટી ઉંમરનાં 101 વર્ષીય શિક્ષક પણ કોરોનાની ઝપટે ચડી ગયા હતા. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અને ત્યાંથી તેમને સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા. બધાનાં આશ્ચર્યની વચ્ચે હરજીવનભાઈ ચકુભાઈ કઠવાડિયા નામના આ શિક્ષકે માત્ર 6 દિવસમાં કોરોનાને હરાવ્યો છે. આ તકે તેમણે કહ્યું હતું કે, કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ બેડીપરામાં રહેતા હરજીવનભાઈ ચકુભાઈ કઠવાડિયા નામના 101 વર્ષના વૃધ્ધ પરિવાર સાથે કોરોનાકાળના દિવસો વિતાવી રહયા હતા. દરમિયાન વૃધ્ધ શિક્ષકના નાના પૂત્ર જયસુખભાઈને સતત શરદી-ઉધરસ રહેતા તેમનું રેપિડ ટેસ્ટ કરાવાયું હતું. જેમાં તેઓ પણ પોઝીટીવ આવ્યા હતા. ત્યારબાદ આખા પરિવારના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં હરજીવનભાઈ તથા જયસુખભાઈની પત્ની કૈલાશબેન અને પૂત્ર કિશનના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

જો કે કૈલાશબેન અને તેમના પૂત્ર કિશનને સામાન્ય અસર હોવાથી હોમ આઈસોલેશનમાં રખાયા હતા. જ્યારે પૂત્ર જયસુખભાઈ બાદ પિતા હરજીવનભાઈને 14 સપ્ટેમ્બરે કોરોનાની સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 15 સપ્ટેમ્બરના વૃધ્ધને સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા. મજબુત મનોબળ ધરાવતા 101 વર્ષના હરજીવનભાઈ તબીબી સારવાર અને સંભાળને કારણે પોતાની હિંમતને વધુ બળ મળ્યું હતું. જેથી મહામારીને પીછેહઠ કરવા માટે મજબૂર કરી હતી.

દરમિયાન શનિવારે હરજીવનભાઈની ચકાસણીમાં તેઓ કોરોનામુકત જાહેર થયા હતા. જેથી તેના મોટા પૂત્ર મુકેશભાઈ અને પૌત્ર હાર્દિક સહિતના પરિજનોએ ઘરના મોભી પરત આવતા હાંશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ હરજીવનભાઈ આગામી ત્રીજી ઓકટોબરના રોજ 102 વર્ષના થશે. આજે ડિસ્ચાર્જ સમયે તેમણે સમરસ હોસ્ટેલમાં તબીબી સ્ટાફ દ્વારા દર્દીઓની સાર સંભાળ રાખવાની વાતને બિરદાવી હતી. અને લોકોને કોરોનાથી નહીં ડરવા જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud