રાજકોટ. નામચીન ભૂપત ભરવાડે જમીન મુદ્દે કોર્ટમાં કેસ કરીને રૂપિયા 7 કરોડ માંગ્યાની વધુ એક લેખિત ફરિયાદ પોલીસ કમિશ્નરને મળી છે. મોટામૌવા ખાતેનાં ખેડૂતે કરેલી અરજીમાં ભૂપત ઉપરાંત પૂર્વ બંદર મંત્રી ઉમેશ રાજ્યગુરૂ તેમજ પૂર્વ નગરસેવક અમરસી મકવાણાનાં નામ છે. સાથે જ જણાવાયું છે કે, ઉમેશે વિવાદી જમીનના કરાર કરી મુદ્ત વિત્યે એ જમીનનું ભૂપત અને અમરશીને લખાણ કરી દીધું હતું. ત્યારબાદ આ બન્નેએ કોર્ટમાં દાવો કરીને જમીનને વધુ વિવાદમાં નાખી પોતાનો કેસ પરત ખેંચવા ખેડૂત પાસે રૂપિયા 7 કરોડની માંગ કરી હોવાનો ઉલ્લેખ કરાતા રાજકીય આલમમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોટા મૌવાનાં ખેડૂત મેઘજીભાઇ ભવાનભાઇ ઠુમ્મર દ્વારા પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી છે. જેમાં આરોપી તરીકે પૂર્વ બંદર મંત્રી ઉમેશ સત્યવાન રાજ્યગુરૂ, નામચીન ભૂપત વિરમભાઇ બાબુતર ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અમરસી તેજાભાઇ મકવાણાનું નામ લખાવ્યા છે. આ અરજીમાં જણાવ્યા મુજબ, મેઘજીભાઇનાં પરિવારમાં 3 ભાઈ અને ચાર બહેન છે. દાદા પ્રેમજીભાઇના નામે મોટામૌવા સર્વે નંબર 54/6 માં 26 એકર 26 ગુંઠા જમીન હતી. જે તે સમયે માપણીમાં ફેરફાર રહી જતાં 3 એકર 26 ગુંઠા જમીન શ્રીસરકાર થઇ ગઇ હતી. બાકીની જમીન પિતા ભવાનભાઇ અને કાકાના નામે થઇ હતી.
શ્રી સરકાર (માપણીમાં લેપ્સ ગયેલી) થયેલી જમીન અંગે વધુ વિગત ન હોવાથી પિતા-કાકાએ તે જમીન પરત મેળવવા કાર્યવાહી કરવા, રેવન્યુ રેકર્ડમાં નામ ચડાવવા અને બીન ખેતી કરાવવા પૂર્વ મંત્રી ઉમેશ સત્યવાન રાજ્યગુરૂને તા. 21 જાન્યુઆરી 2004 નાં સમજૂતી કરાર કરી આપ્યો હતો. આ લખાણમાં લેપ્સ ગયેલી જમીન ક્લીયર થાય તે પછી જમીનની બજાર ભાવે કિંમત નક્કી કરી ઉમેશને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો બે વર્ષની મુદ્દત માટે જ અમલમાં રહે એ મુજબનો કરાર થયો હતો. અને ઉમેશે સૂથી પેટે રૂ. 1 લાખ પણ ચેકથી આપ્યા હતા.
જો કે જમીન પચાવી પાડવાનાં ઈરાદે ઉમેશે બે વર્ષ સુધી કોઇ કાર્યવાહી નહીં કરતા ઉપરોક્ત કરાર તા. 20 જાન્યુઆરી 2006 ના રોજ પૂર્ણ થયો હતો. 2018માં ખેડૂતનાં પિતા ભવાનભાઇ, કાકા ગંગદાસભાઇ તથા સ્વ. ઘુસાભાઇનાં પુત્રએ જમીન ક્લીયર કરાવવા માટે એડવોકેટ પરેશભાઇ ઠાકરને રોક્યા હતા. જેને પગલે 2018માં જમીન અરજદારનાં પિતા, ભાઇઓના નામે ચડી ગઇ છે. અને ત્યારથી જમીનનો કબજો અરજદાર પાસે છે.
અચાનક 2019માં ખેડૂતને આ જમીન સંદર્ભે ભૂપત અને અમરસીએ કોર્ટમાં દિવાની દાવો કર્યાની લીગલ નોટિસ મળી હતી. જે અંગે તપાસ કરતા પૂર્વ મંત્રી ઉમેશે કરારની મુદત પૂરી થયાના 12 વર્ષ પછી એટલે કે, 25 એપ્રિલ 2018નાં રોજ ભૂપત અને અમરસી મકવાણાને સમજૂતી કરાર કરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. અને બદલામાં બેડીપરા વાંધા પીપરવાળી શેરમાં અઘાટ હક્કના લેખવાળી જમીનમાં આવેલુ 11 લાખની કિંમતનુ મકાન અને બાકીની રકમ ખરીદનાર તરફથી વેચનારને આપવાનો ઉલ્લેખ હતો.
આ કરારનાં આધારે ભૂપત તથા અમરસીએ કોર્ટમાં દાવો કરી જમીનને ફરી વિવાદમાં નાખી હતી. અને દાવો પરત ખેંચી વિવાદ પૂરો કરવા માટે રૂ. 7 કરોડની માંગ કરી હોવાનું અરજીમાં જણાવાયું છે. કમિશ્નરે આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા ભૂપત ઉપરાંત પૂર્વ મંત્રી અને નગરસેવક સામે પણ ગુનો નોંધાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જોકે ભૂપત સામે સિંઘમ બનેલી પોલીસ હવે રાજકીય દિગ્ગજો સામે ક્યારે અને શું કાર્યવાહી કરશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud