• શહેરને પાણી પુરૂ પાડતા એવા આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમ સહિતના જળાશયો છલોછલ
  • જિલ્લામાં હાલની સ્થિતિએ 25 મોટા ડેમમાં 94 ટકા જળરાશિ એટલે કે 20,161 એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે
  • સૌની યોજના એટલે કે નર્મદા નીર એક માત્ર વિકલ્પ

રાજકોટ. શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ થતા તમામ નાના મોટા જળાશયો છલકાયા છે. જેમાં ખાસ શહેરને પાણી પુરૂ પાડતા એવા આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમ સહિતના જળાશયો છલોછલ થઈ ચૂક્યા છે. પરંતુ આમ છતાં ઉનાળાનાં સમયમાં પાણીની તંગી સર્જાવાનાં એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે. અને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું ફરજીયાત હોવાનું અત્યારથી જ જણાઈ રહ્યું છે.

કોર્પોરેશનની હાલની ગોઠવણ મુજબ, આજી નદીનું પાણી જૂના તેમજ મધ્ય રાજકોટને અપાય છે. ભાદર ડેમમાંથી મધ્ય રાજકોટ તેમજ ન્યારી ડેમમાંથી નવા રાજકોટ માટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જ્યાં ઘટ પડે ત્યાં નર્મદા નીર ડાઇવર્ટ કરાય છે. જેને લઈને ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા જ્યારે નર્મદા લાઈનમાં રિપેરિંગ કે કોઇ કારણસર બંધ રાખવામાં આવે ત્યારે શહેરમાં પાણી પુરવઠો સમયસર પહોંચાડવાની સમસ્યા સર્જાય છે. અને કોર્પોરેશનને બે છેડા ભેગા કરવા સતત દોડવું પડે છે.

રાજકોટ જિલ્લામાં હાલની સ્થિતિએ 25 મોટા ડેમમાં 94 ટકા જળરાશિ એટલે કે 20,161 એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે. મોટાભાગના ડેમ હજુ પણ પૂરી સપાટીએ છે અને નવી આવક આવી રહી છે. આ પૈકી અમુક જ ડેમ પીવાના પાણીના સ્ત્રોત છે તેમજ નર્મદા લાઈનમાંથી પણ પાણી આવી રહ્યું છે. જો કે શહેરની વસતીને ધ્યાને લેતા રોજનાં 18 એમસીએફટી પાણીની જરૂર પડે છે. હાલ આજીમાં 900, જ્યારે ન્યારી-1માં 1100 એમસીએફટી જળનો જથ્થો છે. જે દૈનિક જરૂરિયાત મુજબ માત્ર છ મહિના જ ચાલે તેમ છે. ત્યારબાદ સૌની યોજના એટલે કે નર્મદા નીર સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેતો નથી. આ માટે જ હાલમાં પણ પીવાના પાણી માટે આજી, ન્યારી જેટલું જ પાણી નર્મદાની લાઈનમાંથી લેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મનપાનાં શાસકો અને અધિકારીઓ દ્વારા ઉનાળામાં પાણીની સમસ્યા નહી સર્જાય તેવા દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આ દાવાઓ હંમેશા ખોટા સાબિત થાય છે. ચાલુવર્ષે પણ ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા નહી સર્જાય તેવા દાવા અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ઉનાળામાં રાજકોટ શહેરને નર્મદાનાં પાણી પર જ નિર્ભર રહેવું પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud