• પાંચેક પ્રેમ લગ્ન કરીને છૂટાછેડા લેનાર સલમા ઉર્ફે ફાતિમાએ પૂર્વ પતિની બે કરોડ રૂપિયાની સંપતિ મેળવવા પ્લાન બનાવ્યો
  • એક દંપતીને રૂ. બે લાખની લાલચ આપી એક માસૂમ બાળકની ચોરી કરાવી
  • પોલીસે સલમાની પોલ ખોલતા ષડયંત્રનો ભોગ બનેલો પતિ ચોધાર આંસુએ રડી પડ્યો

રાજકોટ : શહેરનાં શાસ્ત્રી મેદાનની ફૂટપાથ પરથી દોઢ વર્ષ પહેલાં અપહરણ કરાયેલા બાળકને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે. પરંતુ આ માસુમની ભાળ મળતા એક ચોંકાવનારી મિસ્ટ્રી પણ સામે આવી છે, જેમાં પાંચેક પ્રેમ લગ્ન કરીને છૂટાછેડા લેનાર સલમા ઉર્ફે ફાતિમાએ પૂર્વ પતિની બે કરોડ રૂપિયાની સંપતિ મેળવવા પ્લાન બનાવ્યો હતો. જે મુજબ એક દંપતીને રૂ. બે લાખની લાલચ આપી એક માસૂમ બાળકની ચોરી કરાવી હતી. બાદમાં બાળકનું ખોટું એફિડેવિટ કરાવી પોતે જ તેની માતા હોવાના ખોટા પુરાવા ઉભા કરી અને સંપતિનાં માલિક પતિને દબાણ કરી ફરી તેમની સાથે લગ્ન પણ કર્યા હતા. પોલીસે સલમાની પોલ ખોલતા ષડયંત્રનો ભોગ બનેલો પતિ ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત તારીખ 22-5-2019ની રાત્રે શાસ્ત્રી મેદાન પાસેથી એક માસુમ બાળક ગુમ થયો હતો. આ ઘટના અંગેની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલીને સલીમ સુભણીયા અને ફરીદા સુભણીયા તેમજ સલમા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી સલમાએ ચારથી પાંચ પ્રેમલગ્ન કરી છુટાછેડા કરેલા છે. 2012માં સલમાએ ખંભાળીયાના નાથાલાલ નામના વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કરેલા હતા. બાદમાં વર્ષ 2016 માં મનમેળ ન હોઈ બંનેએ છુટાછેડા લીધા હતા. પરંતુ 2019માં આ નાથાલાલ સોમૈયાએ પોતાની જમીન જાયદાદ વેચાણ કરતા રૂપિયા બે કરોડ આવ્યા હતા.

નાથાલાલ પાસે આટલી મોટી રકમ આવ્યાની જાણ થતાં જ સલમાની દાઢ ડળકી હતી. અને આ રૂપિયા માટે સલમાએ કોઇ માસુમ અને નાના બાળકની ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તેણે સલીમ અને તેની પત્ની ફરીદાનો સંપર્ક કરી નાનું બાળક ચોરવાનું કામ સોંપ્યું હતું. જેના બદલામાં રૂ. 2 લાખ આપવાનું વચન પણ આપ્યું હતું.

સલીમ અને ફરીદાએ પણ રૂપિયા 2 લાખ માટે શાસ્ત્રી મેદાન નજીક આયોજીત મેળા પાસેથી બાળક ઉઠાવી સલમાને સોંપી દીધું હતું. સલમાએ આ બાળકનું નામ જયદીપ રાખીને તે પોતાની કુખે 4-3-2019નાં રોજ નાથાલાલથી જન્મ્યું હોવાનાં પુરાવા ઉભા કર્યા હતા. આ માટે જામનગરમાં વકીલ અને નોટરી સમક્ષ ખોટુ એફીડેવીટ કરીમહાનગરપાલીકા ખાતે રજીસ્ટ્રેશન કરી દાખલો પણ મેળવી લીધો હતો.

બાદમાં પોતાના જુના પતિ નાથાલાલ પર આરોપ મુકી 2019માં જ ફરીથી તેના ઘરમાં પત્ની તરીકે રહેવા પણ લાગી હતી. હાલ પોલીસે સલમા ઉર્ફ ફાતીમા અને બે લાખની રોકડી કરવા માટે બાળક ઉઠાવનારા દ્વારકાનાં સલિમ સુભણીયા તથા તેની પત્નિ ફરીદા સુભણીયાની ધરપકડ કરી છે. હાલ બાળકની સારસંભાળ ડીસીબી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ રાખી રહ્યા છે. બાળક અને તેના માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ બાળકને સોંપાશે.

ઉલ્લેખનીય છે કે, બાળકની ઉઠાંતરી કરનારા સલિમ વિરૂધ્ધ જામનગર-દ્વારકા-લીમખેડા-ગીર સોમનાથ અને રાજસ્થાન-અમરેલી-તાલાલામાં ચોરી-દારૂ અને ઠગાઇ સહિતના 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જેને લઈને આ કામગીરી કરનાર અને માસુમ બાળકને તેના માતા પિતા સુધી પહોંચાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા બદલ પોલીસ કમિશ્નરે ક્રાઈમ બ્રાન્ચની ટીમને રૂપિયા 15 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud