• આરોપીઓએ એક ખેડૂતને તેની ઈકો કાર ડિટેઇન કરવાની ધમકી આપીને રૂપિયા 9 હજાર પડાવ્યા હતા
  • અમે પોલીસ છીએ, લાઈસન્સ આપો તેમ કહી દંડ માંગી ગાડી પુરી દેવાનું જણાવ્યું
  • નૈતિક અને મહેશ અગાઉ દારૂના એક-એક કેસમાં અને અમિત અગાઉ દારૂ તથા પીધેલાના 3 કેસમાં પકડાઈ ચુક્યો છે


રાજકોટ. શહેરમાં નકલી પોલીસ બનીને ફરતી વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. અને પોલીસનાં નામથી લોકોને લૂંટનાર આ ગેંગનાં 5 શખ્સોને અસલી પોલીસે દબોચી લીધા છે. તાજેતરમાં જ આરોપીઓએ એક ખેડૂતને તેની ઈકો કાર ડિટેઇન કરવાની ધમકી આપીને રૂપિયા 9 હજાર પડાવ્યા હતા. આ અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે તમામને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

પોલીસને બદનામ કરવા ગુનેગારો મેદાનમાં ઉતર્યા હોય તેમ વધુ એક ટોળકીએ હલેંડાના ખેડૂતને પોલીસની ઓળખ આપી ઇકો ગાડી પુરી દેવાની ધમકી આપી 9 હજાર લૂંટી લીધાની 20 દિવસ પૂર્વેની ઘટના અંગે ફરિયાદ નોંધાતા થોરાળા પોલીસે પાંચેય શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, વીંછીયાનાં ઓરી ગામે રહેતા અને ખેતીકામ કરતા સંગ્રામભાઇ કુંવરજીભાઇ ધોરીયા નામના ખેડૂતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તારીખ 28ના રોજ દીકરી ઋત્વીને ધોરણ 10ની પરીક્ષા હોઈ અમારા ગામની 4 દીકરીઓને લઈને હું અને ઈકો કાર માલીક વલ્લભભાઈ આવ્યા હતા.

દરમિયાન ચુનારાવાડ જતી વખતે ટ્રેકટર ચોકમાં જુદા- જુદા બે બાઇકમાં આવેલા પાંચ શખ્સોએ કાર ઉભી રખાવી હતી. અને અમે પોલીસ છીએ, લાઈસન્સ આપો તેમ કહી દંડ માંગી ગાડી પુરી દેવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસ સ્ટેશને લઇ લો તેમ કહી જેટલા પૈસા હોય તેટલા આપી દે તેમ કહેતા મેં પાકીટ કાઢ્યું હતું. અને તરત જ હું કંઈપણ સમજી શકું તે પહેલાં પાકીટમાં રહેલા રૂ. 9 હજાર બળજબરીથી લૂંટી લઈ નાસી છૂટ્યા હતા.

ફરિયાદને આધારે પોકેટકોપ એપની મદદથી પોલીસે આ તમામને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. અને લૂંટ ચલાવનાર નૈતિક મહેન્દ્રભાઈ સાંગાણી, મહેશ ગોપાલભાઈ ચુડાસમા, રાકેશ રસિકભાઈ રાણેસરા, અમિત નલીનભાઇ ગોહિલ અને વિજય ગુણવંતભાઈ બાવાજીને દબોચી લીધા છે. જેમાં નૈતિક અને મહેશ અગાઉ દારૂના એક-એક કેસમાં અને અમિત અગાઉ દારૂ તથા પીધેલાના 3 કેસમાં પકડાઈ ચુક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud