• મહામારીને પગલે રાજ્ય સરકારે ફી માં 25% રાહત આપવાનો આદેશ ખાનગી શાળાઓને કર્યો
  • શાળા સંચાલક મંડળે મનઘડંત રીતે 31 ઓક્ટોબર સુધી ફી ભરનાર વાલીઓને જ ફીમાં 25% રાહતનો લાભ આપવાનો ફતવો જાહેર કરતા વાલીઓમાં રોષ
  • સરકારના પરિપત્ર મુજબ સ્કૂલ ફી ભરવાની છેલ્લી તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
રાજકોટ. કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે ફી માં 25% રાહત આપવાનો આદેશ ખાનગી શાળાઓને કર્યો હતો. પરંતુ શાળા સંચાલક મંડળે મનઘડંત રીતે 31 ઓક્ટોબર સુધી ફી ભરનાર વાલીઓને જ ફીમાં 25% રાહતનો લાભ આપવાનો ફતવો જાહેર કરતા રોષે ભરાયેલા વાલીઓ DEO કચેરીએ દોડી ગયા હતા. અને શાળા સંચાલકો સામે ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે.
વાલીઓનાં જણાવ્યા મુજબ, સરકારી પરિપત્રમાં 31 ઓક્ટોબરનો કોઈ ઉલ્લેખ નથી. છતાં ગેરકાયદેસર રીતે સંચાલકો 31 ઓક્ટોબર છેલ્લી તારીખ હોવાનું જણાવી ફીનાં ઉઘરાણા કરી રહ્યા છે. ત્યારે સરકારી પરિપત્રનાં નામે વાલીઓ સાથે મનમાની કરતા આવા સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ પણ વાલીઓએ કરી છે. બીજીતરફ સ્કૂલ સંચાલકો મુજબ જો કોઈ વાલી 31 ઓક્ટોબર સુધીમાં ફી ન ભરી શકે તો ચોક્કસ કારણ સાથે લેખિતમાં રજુઆત કરશે તો તેમને 25% રાહતનો લાભ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકારના પરિપત્ર મુજબ સ્કૂલ ફી ભરવાની છેલ્લી તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ શાળા સંચાલક મંડળ દ્વારા 31 ઓક્ટોબર પહેલા ફી ભરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકતરફ કોરોનાની મહામારી અને બીજીતરફ શાળા સંચાલકોનાં દબાણથી ત્રસ્ત થયેલા વાલીઓએ DEO કચેરીએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ આક્રોશ પણ ઠાલવ્યો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud