• ઠંડા-પીણાના પાઉચની આડમાં જ ગાંજાની હેરાફેરી કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
  • બેડી ચોકડીએ જવાના રસ્તે અંધારામાં એક આઇસર મેટાડોર અને ઓટોરિક્ષા પાર્ક કરીને ઉભેલા ચાર શખ્સોની હિલચાલ શંકાસ્પદ લાગતા પુછપરછ કરાઇ
  • જંગલેશ્વરનાં 3 શખ્સો ગાંજાની ડિલિવરી લેવા અને અન્ય એક માલ પહોંચાડવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું


રાજકોટ. પોલીસ દ્વારા વિદેશી દારૂ પર બોલાવાતી ઘોંસને લઈને લોકો અન્ય નશા તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ચરસ અને ગાંજા સહિત વિવિધ નશાનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. ત્યારે આજે શહેરનાં ભગવતીપરામાંથી 17.5 કિલો ગાંજા સાથે 4 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ ઠંડા-પીણાના પાઉચની આડમાં જ ગાંજાની હેરાફેરી કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ અંગે પોલીસનાં કહેવા મુજબ, ચોક્કસ બાતમીનાં આધારે ભગવતીપરા ખાતે બી-ડિવિઝનની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બેડી ચોકડીએ જવાના રસ્તે અંધારામાં એક આઇસર મેટાડોર અને ઓટોરિક્ષા પાર્ક કરીને ઉભેલા ચાર શખ્સોની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જેને પગલે ચારેયની અટકાયત કરી તપાસ કરતા રિક્ષાની પાછળની સીટમાં ઠંડા પીણાઓના પાઉચની આડમાં ગાંજાનું એક બાચકું મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

પૂછપરછ દરમિયાન જંગલેશ્વરનાં 3 શખ્સો ગાંજાની ડિલિવરી લેવા અને અન્ય એક માલ પહોંચાડવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે પોલીસે 17.5 કિલો ગાંજો કબજે લઈ સ્થળ પર હાજર મળી આવેલા નાસીર હાસમભાઇ સીરમાન, અર્જુન ભરત કામલીયા, દિલાવર યુસુફભાઇ પીપરવાડીયા અને પરેશ ચંદુભાઇ સાગઠીયાની અકટાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે ગાંજાનાં જથ્થા સાથે બે વાહન તેમજ ચાર મોબાઇલ સહિત કુલ 12,36,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આઇસરમાંથી મળેલા ઠંડા-પીણાના પાઉચ અને તેમાંથી મળેલા બિલ પરથી આ આઇસર ચાલક મહારાષ્ટ્રના રાયગઢથી માલ ભરી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે તેણે ગાંજાનો જથ્થો સુરતથી લાવ્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે ખરેખર તેની વાતમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud