• સિવીલ હોસ્પિટલમાં ચાયનીઝ મશીન ખરીદવાને કારણે આગામી પાંચ વર્ષમાં કરોડો રુપિયા ચાયના મોકલાશે
  • લોકોને ચાયનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાની પણ અપીલ સરકાર કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પાછલા બારણે ચાયનાને આર્થિક રીતે મદદ કરતી હોય તેવું દેખાઇ રહ્યું છે.
  • રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીના પરીક્ષણ માટે રૂ. 20 લાખની કિંમતનાં આ બંને મશીનો હાલ કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા

 

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા લોહીનાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા બે મશીનો ચાયનાનાં છે. જેને લઈને ચાલતો વિવાદ વધુ વકર્યો છે. આજરોજ આ મામલે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં આ ખરીદીનાં કારણે આવનારા 5-7 વર્ષમાં કરોડો રૂપિયા ચાયના જવાની શકયતા વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કલેક્ટરને આઈસોલેશનમાં મોકલવા એ સરકારનું ષડયંત્ર હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે.

પત્રકાર પરિષદનું સંબોધન કરતા કોંગ્રેસનાં નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, આ મશીનની સાથે થયેલા કોન્ટ્રાકટમાં તેમાં વપરાતા કેમિકલને પણ 5 વર્ષ સુધી ખરીદવાનો ઉલ્લેખ છે. એક દર્દી દીઠ રિપોર્ટમાં 30 રૂપિયાનું કેમિકલ વપરાય છે. શહેરમાં એક દિવસમાં 500 ટેસ્ટ થાય તો 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આમ 25 મશીન મૂકવામાં આવે તો દર વર્ષે 11.25 કરોડ રૂપિયા થાય અને 5 વર્ષના કોન્ટ્રાક્ટ પ્રમાણે 57 કરોડ રૂપિયા ચાયના જવાનું આ કોન્ટ્રાકટથી નિશ્ચિત બન્યું છે.

વધુમાં વસાવડાએ જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. અને લોકોને ચાયનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાની પણ અપીલ સરકાર કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પાછલા બારણે ચાયનાને આર્થિક રીતે મદદ કરતી હોય તેવું લાગી રહ્યું છે.

બીજીતરફ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાનું જણાવી મહેશ રાજપુતે કલેક્ટરને આઈસોલેશનમાં મોકલવા એ પણ એક ષડયંત્ર હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે. સાથે જ કલેક્ટર નેતાઓનાં કામ ન કરતા હોવાથી અમદાવાદ મનપા કમિશ્નરની જેમ રાજકોટનાં કલેક્ટરની બદલી થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીના પરીક્ષણ માટે ચાઈનાથી બે મશીનો આવ્યા છે. રૂ. 20 લાખની કિંમતનાં આ બંને મશીનો હાલ કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમજ રાજ્ય સરકારનાં GMSCL દ્વારા રાજ્યભરની મેડિકલ કોલેજોમાં આ પ્રકારના 16-17 મશીન મૂકવામાં આવ્યા છે. મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud