• લગ્ન કરવા કાગળપર ચાલતી કંપની બતાવવા પોલીસ કમિશ્નરના સર્ટિફીકેટ બતાવાયું
  • લગ્ન બાદ પૈસા માંગવા લોકો આવતા સમગ્ર કૌભાંડ ખુલ્લુ પડવાની શરૂઆત થઇ
  • પત્ની ઘરે ગયા બાદ તપાસ કરાવાતા પરિવારનું જુઠાણું ઉઘાડું પડ્યુ

રાજકોટ. લગ્ન કરવા ખોટા આંબા આંબલી દેખાડીને વધુ એક યુવતીને ફસાવાઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં મવડીમાં રહેતા એક બાવાજી પરિવારે પોતાને મેટોડામાં સોલાર ફેક્ટરી છે અને શહેર પોલીસ કમિશ્નરે સર્ટિફિકેટ પણ આપ્યું છે તેવા કાગળ દેખાડી યુવતીને ફસાવી લગ્ન કર્યા હતા. બાદમાં રૂ. 5 લાખનો કરિયાવર હડપ કરી લેતા પરિણીતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતા નિમિષાબેન નિકુંજભાઈ રામાવતે ફરિયાદમાં જણાવ્યા મુજબ, દોઢેક વર્ષ પૂર્વે તેણીના જ્ઞાતિના રીત રિવાજ મુજ નિકુંજ સાથે લગ્ન થયા હતા. બાદમાં પતિ અને દિયર સાથે તે રહેતી હતી. લગ્ન પૂર્વે નિકુંજે પોતાને મેટોડા જીઆઈડીસીમાં સોલાર મેનિફેક્ચરિંગ ફેક્ટરી હોવાનું અને શહેર પોલીસ કમિશ્નર સાહેબે સર્ટિફિકેટ આપ્યું છે તેવી વાતો કરી કાગળો પણ બતાવ્યા હતા. સાથે જ 4 મહિના પછી કાલાવડ રોડ ઉપર રાણીટાવર પાછળ યોગી પાર્કમાં નવું મકાન લીધું છે. ત્યાં રહેવા જવું છે કહી અમે ત્યાં જતા રહ્યા હતા.

દરમિયાન મારા પતિ કારખાને ન જતા હોય જેથી મારે ફેકટરીએ આવવું છે તેમ કહેતા ત્યાં બૈરાનું શું કામ હોય તારે આવવાની જરૂર નથી તેમ કહી બેસાડી દેતા હતા. અને ઘરે દરરોજ ઉઘરાણીવાળા લોકો આવતા હોય મેં પૂછતાં તારા બાપના ઘરેથી પૈસા લઇ આવ આ બધાને દેવાના છે કહી મારકૂટ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં સસરા પણ મેણાંટોણાં મારી હેરાન કરતા હતા. જેને લઈને પોતે કાલાવડ રોડ ઉપર આવેલ રામનગરમાં માવતરે જતી રહી હતી.

પતિ નિકુંજ ત્યાં પણ પહોંચ્યો હતો. અને જો તું પૈસા લઇ આવીશ તો જ તને તેડી જઈશ તેવી ધમકી આપી ગયો હતો. તપાસ કરતા મેટોડામાં મારા પતિની આવી કોઈ ફેક્ટરી જ નહીં હોવાનું તેમજ પોલીસ કમિશ્નરનું સર્ટિફિકેટ પણ ખોટું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યોગી પાર્કનું મકાન પણ રૂ. 30 હજાર રૂપિયામાં ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું હતું.

જેને લઈને માતા-પિતા મવડી ચોકડીએ તેના ઘરે મારા કપડાં અને સામાન લેવા ગયા ત્યારે થાય તે કરી લેજો એકપણ સામાન લઇ જવાનો નથી. તેમ કહીને કાઢી મુક્યા હતા. અને પરિણીતાનો રૂ. 5 લાખનો કરિયાવર પણ હડપ કરી લીધો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.  હાલ આ અંગે તાલુકા પોલીસે પતિ નિકુંજ તેમજ સસરા કાલિદાસ રામાવત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud