• બાઈક ચાલક સગીરનો આબાદ બચાવ તેની નજર સામે જ બાઈકમાં પાછળ બેસેલા તેના બે માસુમ ભાઈ-બેનને ઘસમસતું પુર ઢસડી ગયું
  • કાલમેઘડા ગામે દિલાભાઈ મલાભાઈ રાતડીયાની વાડીએ મજુરી કામ કરતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો મોટર સાયકલ લઇને હટાણું કરવા ગયા હતા

જામનગર. કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે હૈયું હચમચાવતી ઘટના બની હતી. જેમાં ભારે વરસાદમાં ગામ નજીકનાં કોઝ વેમાં ભારે પુરમાં પસાર થતું એક બાઈક તણાઈ ગયું હતું. જેમાં બાઈક ચાલક સગીરનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની નજર સામે જ બાઈકમાં પાછળ બેસેલા તેના બે માસુમ ભાઈ-બેનને ઘસમસતું પુર ઢસડી ગયું હતું, આજે સવારે આ બંને માસુમ ભાઈબેનનાં મૃતદેહ મળતા પરિવાર પર આભ ફાટી પડયુ છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ગઈકાલે કાલાવડ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન ગતરાત્રે 40 કિલોમીટર દુર કાલમેઘડા ગામે દિલાભાઈ મલાભાઈ રાતડીયાની વાડીએ મજુરી કામ કરતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો મોટર સાયકલ લઇને હટાણું કરવા ગયા હતા. ત્યારે ભારે વરસાદ પડતા ગામથી વાડી તરફ આવતા રસ્તા પરના પુલ પર ઘસમસતું પુર આવ્યું હતું. 15 વર્ષીય મોટરસાયકલ ચાલક વિક્રમ આ પૂરને ઓળખવામાં નાનો પડ્યો હતો. અને તેણે બાઈક પુરમાં નાખ્યું હતું.

જેમાં જોતજોતામાં બાઈક તણાવા લાગ્યું અને બાઈક ઊંધું વળી જતા પાછળ બેઠેલ અલ્પેશ લખધીરભાઈ સાતાજી ઉવ 9 અને તેની બેન પૂનમ ઉવ 6 બંને પૂરમાં તણાઈ ગયા હતા. જયારે વિક્રમ બાઈક છોડીને પૂરના પ્રવાહથી દૂર નીકળી જતા બચી ગયો હતો. આ બનાવ બાદ વિક્રમે વાડી તરફ દોટ મૂકી જાણ કરતા પરિવાર અને ગ્રામજનો દોડી આવ્યા હતા.

પરંતુ તે પહેલા પાણીનો પ્રવાહ બંને બાળકોને સમાવી ગયો હતો. રાત વીતી ચુકી હોવાથી બંને બાળકોની શોધખોળ મુશ્કેલ બની હતી. જોકે સવારે ઘટનાસ્થળ નજીકથી જ ભાઈ-બહેનના મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવના પગલે છેક પાટણ જીલ્લામાંથી મજૂરી કરવા આવેલો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાલમેઘડા ગામે સગા ભાઈ બહેન સહિત ત્રણ બાળકોનાં મોત નિપજ્યા હતા. આ બાળકો ખેતરમાં રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતા બચવા માટે ચિચિયારીઓ કરવા લાગ્યા હતાં જેને લઈને સ્થાનિકોએ તરત જ દોડી જઈને ત્રણેયને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેયનાં મોત થઈ ચૂક્યા હતા. ત્યારે સતત ડૂબી જતાં મોતનો બીજો બનાવ સામે આવતા નાનાએવા ગામમાં શોક ફેલાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud