• રજુઆત બાદ જીએસટી હટાવી  મામુલી ભાવ ધટાડો કરાયા બાદ કરણી સેનાએ રોપવેના વધારે દરનો કર્યો વિરોધ
  • કરણી સેના દ્વારા દર નહિ ઘટાડવામાં આવે તો આંદોલનની ચીમકી
  • સેના ગુજરાતભરમાં કલેક્ટર સહિતનાં સતાધીશોને આવેદન પાઠવી રજૂઆત કરશે

જૂનાગઢ. તાજેતરમાં ગરવા ગીરનાર પરનાં રોપ-વેનું વડાપ્રધાન મોદીનાં હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. જો કે લોકાર્પણ બાદથી જ રોપ-વેની ટીકીટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખુદ શાસક પક્ષનાં નેતાઓ દ્વારા પણ ટિકિટનાં દર ઘટાડવા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કંપની દ્વારા પ્રથમ જીએસટી ઘટાડવાની અને પછી માત્ર જૂનાગઢનાં લોકોને ટિકીટમાં મામુલી રાહત આપવાની લોલીપોપ જ આપવામાં આવી છે. ત્યારે હવે આ મુદ્દે ગુજરાત રાજપૂત કરણીસેના મેદાને આવી છે. અને કંપની સહિત રાજ્ય સરકારને પણ આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ ટીકીટનાં ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું છે. સાથે જ જો આમ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે ગુજરાત રાજપૂત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, લોકો આસ્થાનાં પ્રતીક રૂપે ગરવા ગીરનારની મુલાકાત લેતા હોય છે. અહીં અનેક સાધુ-સંતો અને મહાત્માનાં આશ્રમો આવેલા છે. ત્યારે રોપ-વે કંપનીએ રાખેલા કમ્મરતોડ ભાવનો હું વિરોધ કરૂ છું. આ ભાવ વધારા અંગે સમગ્ર ભારતમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. અને ગુજરાતભરમાં કલેક્ટર સહિતનાં સતાધીશોને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, સામાન્ય વર્ગને પોસાય તેવી ટીકીટ રાખવામાં આવે તે માટે ગુજરાત કરણીસેના લડત ચલાવશે. જો કંપની ધર્મનાં ધામમાં રાજકીય દલાલોની મદદથી નફાખોરી કરવા ઇચ્છતી હોય તો તે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અગાઉ મોગલોનાં સમયમાં પણ યાત્રાળુઓની માંગને લઈને જાજીયા વેરો નાબૂદ કરાયો હતો. ત્યારે કંપની સારી રીતે સમજી લે કે, ગુજરાતમાં તેની મનમાની ચાલશે નહીં.

આ સાથે જ ચૂંટણીઓ નજીક હોવાનું જણાવી તેમણે સરકારને પણ ત્વરિત રોપ-વેનાં ભાવ ઘટાડવા અપીલ કરી છે. સાથે જ જો આ મુદ્દે જરૂરી કાર્યવાહી નહીં કરે તો કંપની સામે આંદોલનનાં મંડાણ કરવાની ચેતવણી પણ તેમણે આપી છે. ત્યારે હવે આગામી સમયમાં ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વેનાં ભાવ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌકોઈની મીટ મંડાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud