• વેપારી અને બિલ્ડરોને ધાકધમકી આપી જમીન-મકાન સહીતની મિલ્કતો બળજબરીથી પડાવી લેવા અંગે જયેશ પટેલ અને તેની ગેંગનાં લોકો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો
  • સ્પે. પી.પી. સંજયભાઇ વોરાની લીલોને ધ્યાનમાં રાખી અદાલતે બંનેના 12 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
  • પોલીસે છ આરોપીઓમાંથી બે આરોપીને અમદાવાદ જેલમાં અને બીજા બે આરોપીઓને બરોડા જેલમાં તેમજ અન્ય બે આરોપીઓને સુરત જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી


રાજકોટ. જામનગરના બહુચર્ચીત ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલા જયેશ પટેલ ગેંગ બે સભ્યો ગઇકાલે ઝડપાયા હતા. પકડાયેલા બે આરોપી જશપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને રાજકોટની સ્પે. કોર્ટમાં 20 દિવસની રીમાન્ડ માંગ સાથે પોલીસે રજૂ કર્યા હતા. તેમજ આ ગેંગનાં અગાઉ ઝડપાયેલા 6 આરોપીઓનાં રિમાન્ડ પુરા થતા આ તમામને પણ આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં યશપાલસિંહ અને જશપાલસિંહનાં 12 દિવસનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. જ્યારે બાકીના 6 આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ નામદાર કોર્ટે કર્યો છે

જામનગર શહેરમાં વેપારી અને બિલ્ડરોને ધાકધમકી આપી જમીન-મકાન સહીતની મિલ્કતો બળજબરીથી પડાવી લેવા અંગે જયેશ પટેલ અને તેની ગેંગનાં લોકો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે જયેશ પટેલના બાહુબલી સાગ્રીત તરીકે ઓળખાતા યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામેથી હાજર થયા હતા. જ્યારે જશપાલસિંહ જાડેજાનો લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો લેવામાં આવ્યો હતો. બંનેને આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા.

અદાલત સમક્ષ સ્પે. પી.પી. સંજયભાઇ વોરાએ બંનેના 20 દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, જે ફરીયાદો આરોપીઓ વિરુદ્ધ નોંધાઇ છે તેમાં આ બન્ને આરોપીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. સાથે જ બંને ફરાર જયેશ પટેલના નજીકનાં સાગ્રીતો મનાય છે. ત્યારે જો પુરતા રીમાન્ડ આપવામાં આવે તો વધુ આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી પૂરતી શક્યતા છે. એડવોકેટની આ દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે બંનેના 12 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને આરોપીઓ જયેશ પટેલનાં નાના સભ્યો દ્વારા કોઇ કામ ન પતે ત્યારે જમીન અને મકાનો ખાલી કરાવી કે પડાવી લેવાનું કૃત્ય કરતા હતા.

આજે જેનાં રીમાન્ડ પુરા થયા તેવા આરોપીઓ નિલેષ મનસુખ ટોળીયા, અતુલ ભંડેરી, પ્રવિણ પરસોતમ ચોવટીયા, અનિલ મનજી પરમાર, વશરામ ગોવિંદ મિયાત્રા અને મુકેશ વલ્લભ અભંગીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે જેલહવાલે કર્યા હતાં. આ અગાઉ અન્ય બે આરોપીઓ પ્રફુલ જેન્તીભાઇ પોપટ અને જાગર ઉર્ફે જીમ્મી પ્રવિણ આડતીયાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. જો કે આરોપીઓ આ કેસના સાક્ષીઓને ધાક-ધમકી આપીને ડરાવવા-ધમકાવે તેવી દહેશત હોય પોલીસે છ આરોપીઓમાંથી બે આરોપીને અમદાવાદ જેલમાં અને બીજા બે આરોપીઓને બરોડા જેલમાં તેમજ અન્ય બે આરોપીઓને સુરત જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી પણ કોર્ટમાં કરી છે.

આ ઉપરાંત જામનગર પોલીસ દ્વારા અગાઉ પકડાયેલા અને રીમાન્ડ પર રહેલા અગ્રણી બિલ્ડર નિલેશ ટોળીયા સહિતના 6 આરોપીઓ કે જેઓ 14 દિવસના રીમાન્ડ પર હતા, તે તમામની રીમાન્ડની મુદત પુરી થતી હોવાથી તેઓને રાજકોટ ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અને કોર્ટ દ્વારા આ તમામને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ગુનામાં કુલ 14 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી હજુપણ એડવોકેટ વસંતલાલ માનસાતા સહિત અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. જે પ્રકરણના મુખ્ય સાગરીત જયેશ પટેલ અને બિલ્ડર ચાંગાણી વિદેશ ભાગી છૂટયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud