• આરોપીઓએ દીનદહાડે, સરાજાહેર જાહેર જગ્યા પર કાયદો હાથમાં લઈ પ્રતિબંધિત હથીયારો ધારણ કરીને પૂર્વ આયોજીત કાવતરા દ્વારા ફીલ્મી ઢબથી હત્યા કરી
  • ત્રણ પંચ હોસ્ટાઈલ થયેલ હોય બાકીના 28 સાહેદો પ્રોસીકયુસનના કેસને સમર્થન આપેલ

રાજકોટ. વર્ષ 2006માં મોટામવાના તત્કાલીન સરપંચ મયુર શિંગાળા સામે ચુંટણીમાં હારી જનાર ઉમેદવાર સહિતના સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને ભરવાડ પરિવાર દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના અને લૂંટના ગુનામાં છેલ્લા 11 વર્ષથી જેલમાં રહેલા આરોપીઓ સામેનો કેસ બોર્ડ ઉપર આવ્યો હતો. જેમાં અદાલતે હરીફ આરોપી ઉમેદવાર તેની પત્ની, બે પૂત્ર અને બે પૂત્રીને તકસીરવાન ઠેરાવ્યા છે. અને આ તમામને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે હત્યા કેસમાં સંડોવાયેલા નામચીન રમેશ રાણા સહિત બે આરોપીઓને શંકાનો લાભ આપીને મુકત કરવાનો હુકમ કર્યો છે.

ચકચારી મયુર શિંગાળા કેસ કોર્ટમાં ચાલતા ફરિયાદ પક્ષે એવી દલીલ કરવામાં આવી હતીકે, આરોપીઓએ દીનદહાડે, સરાજાહેર જાહેર જગ્યા પર કાયદો હાથમાં લઈ પ્રતિબંધિત હથીયારો ધારણ કરીને પૂર્વ આયોજીત કાવતરા દ્વારા ફીલ્મી ઢબથી હત્યા કરી છે. ત્યારે આ ગુનાની ગંભીરતા અને સમાજ પર થનાર તેની અસરો ધ્યાનમાં લેવી જરૂરી છે. પ્રોસીકયુસને કુલ-31 સાહેદ તપાસ્યા છે. જેમાં ફરીયાદી, બનાવને નજરે જોનાર, પંચો, ડોકટરો, એફ.એસ.એલ.સર્કલ આર.ટી.ઓ. સેલ્યુલર કંપની, અને પોલીસ પણ સામેલ છે.

આ પૈકી માત્ર ત્રણ પંચ હોસ્ટાઈલ થયેલ હોય બાકીના 28 સાહેદો પ્રોસીકયુસનના કેસને સમર્થન આપેલ છે. તેમજ આ સાહેદોની જુબાનીમાં કોઈ વીરોધાભાષ ન હોય, એકબીજા સાહેદોએ બનાવની હકીકતોને તથા આપેલ પુરાવાને અરસ-પરસ સમર્થન આપ્યું છે. અને ડોકટરી તેમજ એફ.એસ.એલનો પુરાવો પણ રેકર્ડના પુરાવાને સ્પષ્ટ સમર્થન આપે છે. ત્યારે આરોપીઓને આ હત્યા મામલે મહત્તમ સજા કરવી જરૂરી છે.

એડીશનલ સેશન્સ જજ એચ.એમ. પવારે ફરિયાદ પક્ષના વકીલ અને સ્પે. પી.પી.ની રજૂઆત ધ્યાને લઈ ગાડું વકાતર, મહેશ ગાંડુ, ઉતર ગાંડુ, વજીબેન ગાંડુ, હંસા ઉર્ફે હીના ગાંડુ અને લતા ઉર્ફે ટીની ગાંડુને હત્યા, લૂટ, મદદગારી અને કાયદા વિરુધ્ધ મંડળી બનાવીને જાહેરમાં હુલ્લડ કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવ્યા હતા. અને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રમેશ રાણાના વકિલ રૂપરાજસિંહ પરમારની દલીલોને ધ્યાને લઈ રમેશ રાણા અને જયેશ વિનુ ઉર્ફે દેવજી મકવાણાને શંકાનો લાભ આપી મુકત કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સ્પે. પી.પી. તરીકે નિરંજન દફતરી, ભાવિન દફતરી, પથિક દફતરી અને મુળ ફરિયાદી વતી સુરેશ આર. ફળદુ, ચેતન ચોવટિયા, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રવિ ઠુમ્મર અને રીયલ ગેવરિયા રોકાયા હતા.

જાણો શું હતો સમગ્ર મામલો

શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા મોટામવા ગામે 11 વર્ષ પૂર્વે મોટામવામાં રહેતા રાજકીય અગ્રણી મયુર તળશીભાઈ શીંગાળા મોટામવા ગામના સરપંચ તરીકે 2006ની સાલથી ચુંટાઈ આવ્યા હતા. અને ગાંડુ ભુરા ભરવાડની હાર થઈ હતી. જેનો ખાર રાખી મહેશ ગાંડુ ભરવાડ, ગાંડુ ભુરા, ઉત્તમ ગાંડુ, વીનુ મકવાણા, જયેશ મકવાણા તેમજ રમેશ મકવાણાએ પૂર્વયોજીત કાવત્રુ ઘડી મયુર શીંગાળાને ફોન કરી ગટર અને પાણી પ્રશ્ર્નનું બહાનું કરી બોલાવ્યા હતા.

બાદમાં મયુર શીંગાળા મોટર સાયકલ લઈ મીરા હોટલ પાસે આવેલ ત્યારે ગાંડુ ભરવાડ અને મહેશ ગાંડુએ તલવાર, ઉત્તમ ગાંડુએ છરી, વીનુ મકવાણાએ ગુપ્તી અને જયેશ મકવાણાએ સીધી તલવાર જેવા ઘાતક હથીયારો ધારણ કરી સરપંચ મયુર શિંગાળાને આડેધડ ઘા મારી તેની પાસે રહેલ ફોન, સોનાનો ચેઈન, સોનાનું ચકદુ, વીટી અને ઘડીયાલની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. સાથે જ બનાવ વખતે પહેરેલ કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો.

આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઇ ભરત શીંગાળાએ આરોપી ગાંડુ ભૂરા વકાતર, મહેશ ગાંડુ વકાતર, ઉતમ ગાંડુ વકાતર, વજીબેન ગાંડુભાઈ વકાતર, હંસા ઉર્ફે હીના ગાંડુ વકાતર, લતા ઉર્ફે ટીની ગાંડુ વકાતર,વિનુ ઉર્ફે દેવજી પૂંજા મકવાણા અને જયેશ વિનુ ઉર્ફે દેવજી મકવાણા વિરૂદ્ધ હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ દરમિયાન કાવત્રામાં રમેશ રાણા મકવાણાનું નામ પણ ખુલતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. દરમિયાન આરોપી વિનુ ઉર્ફે દેવજી મકવાણાનું હાર્ટ એટેકથી મોત નિપજતા એબેટ કરાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, મોટામવાના તત્કાલીન સરપંચ મયુર શિંગાળા હત્યાકેસમાં મુખ્ય આરોપી ગાંડુભુરા વકાતર, તેની પત્ની વજીબેન, પુત્રીઓ હંસા અને લતા, બે પુત્ર જયેશ અને ઉતમને હત્યા કેસમાં ધરપકડ થઇ હતી. ત્યારથી આજ દિવસ સુધી કોઈને જામીન મળ્યા નથી. આરોપીઓએ સેશન્સ કોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે કાનુની લડાઈ કરી હતી. આમ છતા કોઈ જામીન મંજુર થયા નહોતા.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud