રાજકોટ : વોર્ડ નંબર 10માં આવેલા આકાશવાણી ચોક સહિતનાં વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પુરૂ પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય પ્રત્યુત્તર ન મળતા સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને વિરોધ કરવામાં આવનાર હતો. જોકે કોઈપણ વિરોધ થાય તે પૂર્વે પોલીસે મહિલાઓની અટકાયત કરી લીધી હતી. જેને પગલે પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા પોલીસ કમિશ્નર કચેરીએ દોડી ગયા હતા. અને પોલીસ ભાજપનાં ઈશારે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટનાં તમામ જળાશયો છલોછલ હોવા છતાં કોર્પોરેશનની અણઆવડતને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. ત્યારે આજરોજ  વોર્ડ નંબર-10ની રહેવાસી મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટર મનસુખ કાલરીયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેઓ કોઈપણ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી લેતા મામલો ગરમાયો હતો.
આ મહિલાઓની અટકાયત થતાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં વિરોધ કરવો પણ ગુનો છે. વિરોધ કરનાર મહિલાઓ કોઈ પક્ષની ન હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસ કમિશ્નરને પ્રજાના પ્રતિનિધિનો ફોન ઉપાડવાનો પણ સમય નથી. ત્યારે જ્યાં સુધી અટક કરેલા તમામને છોડવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા અહીં જ ધરણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શહેરનાં વોર્ડ નંબર 13-14ની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. આંબેડકરનગર વિસ્તારમાં 6 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું હતું. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ વોર્ડ નંબર 13માં આવેલી મનપાની વોર્ડ ઓફિસમાં એકત્ર થઈ માટલા ફોડી વિરોધ કર્યો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !