• ભાજપનાં દિગ્ગજ નેતા કશ્યપ શુક્લ અને તેમના ભાઈ તથા સૌરાષ્ટ્ર યુનિ. નાં સિન્ડિકેટ સભ્ય ડો. ભરત રામાનુજ સહિત વધુ 43 પોઝીટીવ કેસ નોંધાયા
  • સોની બજાર, દાણાપીઠનાં વેપારીઓ, અને હવે દીવાનપરા વિસ્તારના કપડાંનાં વેપારીઓએ આવતીકાલથી રવિવાર સુધીનું લોકડાઉન કરવાનો નિર્ણય લીધો
  • ગોંડલમાં વધતા કોરોનાના કેસને લઈને સોની વેપારીઓ દ્વારા સ્વંયભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ

રાજકોટ : તંત્રનાં અથાગ પ્રયાસો છતાં શહેરમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. અને પોઝીટીવ કેસની સાથે જ મૃતકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 31 દર્દીઓ કોરોનાનો કોળિયો બની ચુક્યા છે. આ સાથે જ ભાજપનાં દિગ્ગજ નેતા કશ્યપ શુક્લ અને તેમના ભાઈ પણ સંક્રમિત થયા છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિ. નાં સિન્ડિકેટ સભ્ય ડો. ભરત રામાનુજ સહિત વધુ 43 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. અને લોકો ધીમે-ધીમે સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન અને ભાજપ અગ્રણી કશ્યપ શુકલની તબિયત નરમ હોવાથી કોરોના ટેસ્ટ કરાવાયો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે જ તેમના ભાઈનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા બંનેને એરપોર્ટ રોડ પર આવેલ પેટ્રિયા કોવિડ સેન્ટરમાં ખસેડાયા છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને સીન્ડીકેટ સભ્ય ડો.ભરત રામાનુજ પણ કોવિડ-19થી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના સોની બજાર દ્વારા ગત શનિવારથી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ સાથે જ દાણાપીઠનાં વેપારીઓએ પણ આજથી એક સપ્તાહ માટે અડધો દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે હવે દીવાનપરા વિસ્તારના કપડાંનાં વેપારીઓએ પણ આવતીકાલથી રવિવાર સુધીનું લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. વેપારીઓ દ્વારા લેવાતા આ નિર્ણયને લઈને રાજકોટ ચેમ્બર પણ હરકતમાં આવી છે. અને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શહેરનાં 30 જેટલા વેપારી સંગઠનો સાથે બેઠકનું આયોજન કરાયું છે. જેમાં સ્વયંભૂ લોકડાઉન અંગે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોંડલમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું છે. ગોંડલમાં વધતા કોરોનાના કેસને લઈને સોની વેપારીઓ દ્વારા સ્વંયભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. તા. 15 થી 21 સુધી 8 દિવસ લોકડાઉન રહેશે. સવારે 8 થી 4 ધંધા રોજગાર રાબેતામુજબ ચાલુ રહેશે. પરંતુ બપોરે 4 પછી લોકડાઉન રહેશે. તમામ વેપારી એસોસિએશન દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. સોની વેપારીઓ દ્વારા આજથી જ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud