• કોરોના મહામારીનાં કારણે રાજ્યમાં શાળા અને કોલેજો દિવાળી બાદ ખુલે તેવા એંધાણ
  • નાના મૌવા ખાતે આવેલી શાળા નંબર 93માં આચાર્યનો અનોખો સેવા યજ્ઞ 
  • જે વિદ્યાર્થીઓ ખરેખર વાંચવા ઇચ્છતા હોય તેને મદદરૂપ થવા માટે મેં રોજની ત્રણ કલાક ફાળવવાનો નિર્ણય કર્યો – વિનિતાબેન રાઠોડ
  • આચાર્ય પાસેથી પુસ્તકો મેળવીને શાળાના વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ
કુલીન પારેખ : કોરોના મહામારીનાં કારણે રાજ્યમાં શાળા અને કોલેજો દિવાળી બાદ ખુલે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય નહીં પરંતુ તેમના અભ્યાસ સમય જીવનમાં જ્ઞાન-વાંચનનો પ્રકાશ ફેલાય તે માટે રાજકોટની એક સરકારી શાળાનાં આચાર્યએ અનોખી પહેલ કરી છે. વનિતાબેન રાઠોડ નામના શિક્ષક વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને પુસ્તકો આપી બાળકોને વાંચન માટે પ્રેરણા આપી રહ્યા છે.
વનિતાબેન રાઠોડ શહેરનાં નાના મૌવા ખાતે આવેલી શાળા નંબર 93માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજોના દ્વાર બંધ થયા છે. જેને લઈ વિદ્યાર્થીઓનાં અભ્યાસમાં ઘોર અંધકાર છવાયો છે. વનિતાબેને વિદ્યાર્થીઓનાં જીવનમાંથી આ અંધકારને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અને આ માટે તેઓ વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો રૂપી ઉજાશનું વિતરણ કરી રહ્યા છે.
વનિતાબેને જણાવ્યું હતું કે, હાલ શાળા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી સુધી આવી શકતા નથી. ત્યારે જે વિદ્યાર્થીઓ ખરેખર વાંચવા ઇચ્છતા હોય તેને મદદરૂપ થવા માટે મેં રોજની ત્રણ કલાક ફાળવવાનો નિર્ણય કર્યો છે. અને આ સમય દરમિયાન તેમના ઘરે જઈને પુસ્તક પહોંચાડું છું. સાથે જ વિદ્યાર્થીઓએ જે પુસ્તક વાંચ્યું હોય તેનો ટૂંકો સાર શાળાના વોટ્સએપ ગ્રુપમાં મોકલવાનો રહે છે. જેથી એ બાબતનો ખ્યાલ આવે કે વિદ્યાર્થીએ પુસ્તકમાંથી શું શીખ મેળવી છે.
બીજીતરફ આચાર્ય પાસેથી પુસ્તકો મેળવીને શાળાના વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ બન્યા છે. પરમાર નીતિન નામનાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મેડમ દ્વારા મળેલી આ સુવિધાથી મને ખુબ મોટો લાભ થયો છે. અને આ કોરોના કાળમાં પણ નવું શીખવાનો અવસર મળ્યો છે. તો ઘેલાણી મહેક નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, લોકડાઉનનાં શરૂઆતનાં દિવસોમાં સતત ઘરે ફ્રી હોવાથી માનસિક હાલત ખરાબ થઈ રહી હતી. તેવામાં મેડમ દ્વારા શરૂ કરાયેલી આ સેવાથી શાળા બંધ થવાનો અહેસાસ પણ નથી થયો. સાથે જ સતત નવું શીખવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફથી ઓનલાઇન શિક્ષણનાં નામે ફી ઉઘરાવી રહેલી ખાનગી શાળાઓ વિવાદમાં સપડાઇ રહી છે. ત્યારે બીજીતરફ રાજકોટની સરકારી શાળાના આચાર્ય દ્વારા આ પ્રકારનું એક ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ બિરદાવી રહ્યા છે. તેમજ વનિતાબેનમાંથી અન્ય શિક્ષકો પણ પ્રેરણા લે તે જરૂરી હોવાનું જણાવી રહ્યા છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !