• કેશુભાઈ વિરજીભાઈ કાછડિયાની વાડીમાંથી બે સિંહબાળના મૃતદેહ મળી આવ્યા
  • સિંહબાળના મોત કેવી રીતે નીપજ્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ સામે આવે તેવી સંભાવના
  • ત્રણેક મહિના અગાઉ પણ શેત્રુંજી ડિવિઝનમાં કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો હતો

અમરેલી. લીલીયા રેન્જનાં ટીંબલા ગામમાં કેશુભાઈ વિરજીભાઈ કાછડિયાની વાડીમાંથી બે સિંહબાળના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગની ટીમે બંનેનાં મૃતદેહને પીએમ માટે કાકરાક બચાવ કેન્દ્રમાં મોકલી તેના મોતનું કરણ જાણવા તપાસ શરૂ કરી છે. બંનેની ઉંમર એક વર્ષની આસપાસ હોવાનું પ્રાથમિક તારણ વન વિભાગના અધિકારીઓએ આપ્યું છે.

આ અંગે જુનાગઢ વન વિભાગનાં CCF વસાવડાએ જાણકારી આપી હતી. અને બે સિંહબાળના મૃતદેહ મળ્યાંની પુષ્ટી કરી છે. જો કે તેમના જણાવ્યા મુજબ સિંહબાળના મોત કેવી રીતે નીપજ્યા તે જાણી શકાયું નથી. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ સામે આવે તેવી સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે એકસાથે બે સિંહબાળના મૃતદેહ મળ્યાની આ ઘટનાને કારણે સિંહપ્રેમીઓમાં શોકની લાગણી ફરી વળી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણેક મહિના અગાઉ પણ શેત્રુંજી ડિવિઝનમાં કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો હતો. જેમાં DCF નિશા રાજે સિંહના મોતની પુષ્ટિ કરી હતી. અને રાજુલા-જાફરાબાદ રેન્જની બોર્ડર પાસેથી આ સિંહનો મૃતદેહ મળ્યો હોવાનું જણાવી ઈનફાઈટમાં તેનું મોત થયાનું જણાવ્યું હતું. ત્યારે ફરી એકવખત બે સિંહબાળનાં મોતથી વનતંત્રનાં સિંહની સુરક્ષાનાં દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud