• સિવિલ સુપરિટેનડેન્ટ પંકજ બુચે પત્રકાર પરિષદ યોજી પ્રભાશંકર માનસિક અસ્થિર હોવાનું અને કપડાં કાઢી નાખતો હોવાથી સ્ટાફ દ્વારા તેને પકડ્યો હોવાનું જણાવ્યું
  • મારા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાયું હતું. બાદમાં તેને કોરોના પોઝીટીવ આવતા 8 સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ બીજા દિવસે હોસ્પિટલનાં સ્ટાફ અને સિક્યુરિટી દ્વારા તેને ઢોર માર મરાયો હતો- મૃતકનો ભાઇ
  • દર્દીનું મોત તંત્ર સામે અનેક સવાલો ખડા કરે છે

રાજકોટ. આજરોજ સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ અને સિક્યુરિટી દ્વારા એક દર્દીને બેરહેમીથી માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો. તાપસ દરમિયાન દર્દીનું નામ 37 વર્ષીય પ્રભાશંકર પાટીલ હોવાનું અને તે 8 સપ્ટેમ્બરનાં રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું સામે આવ્યું છે. તેમજ વાયરલ વિડીયો ગત તારીખ 9 સપ્ટેમ્બરનો હોવાનું ખુલ્યું છે. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ પ્રભાશંકરનો ભાઈ મીડિયા સામે આવ્યો હતો. અને પ્રભાશંકર માનસિક અસ્થિર નહીં હોવાનું જણાવી ઢોર મારને લીધે જ તેનું મોત નિપજ્યું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે.

પ્રભાશંકર પાટીલનાં ભાઈએ કહ્યું હતું કે, ગીરીરાજ હોસ્પિટલમાં મારા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાયું હતું. બાદમાં તેને કોરોના પોઝીટીવ હોવાનું ખુલતા 8 સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બીજા દિવસે હોસ્પિટલનાં સ્ટાફ અને સિક્યુરિટી દ્વારા તેને ઢોર માર મરાયો હતો. જેને લીધે તેના મોઢા પર કાળા ચાંભા પણ પડી ગયા હતા. ત્યારે માર સહન ન થવાને કારણે 12 સપ્ટેમ્બરનાં રોજ તેનું મોત નિપજ્યું હતું. પ્રભાશંકર માનસિક અસ્થિર હોવાની વાત પણ તેમણે નકારી દીધી છે.

બીજીતરફ વિડીયો વાયરલ થયા બાદ વિપક્ષ પણ હરકતમાં આવ્યો છે. શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. તો કોંગ્રેસ સેવા સમિતિ દ્વારા પોલીસમાં આ ઘટનાની તપાસ માટેની અરજી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ આ અંગે રજુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિડીયો વાયરલ થયા બાદ સિવિલ સુપરિટેનડેન્ટ પંકજ બુચે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પ્રભાશંકર માનસિક અસ્થિર હોવાનું અને કપડાં કાઢી નાખતો હોવાથી સ્ટાફ દ્વારા તેને પકડ્યો હોવાનું જણાવ્યું હતું. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હોવા છતાં માર મરાયાની વાતનો તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. સાથે જ તપાસ સમિતિ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તેવું કહીને ચાલતી પકડી હતી. પરંતુ આ દર્દીનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું નહોતું. જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠયા છે. પરંતુ આ સળગતા સવાલોનાં જવાબ આપવા હાલ તો કોઈ તૈયાર નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud