• ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગી હતી.
  • ICUમાં લાગેલી આગના કારણે ભારે ભાગદોડ મચી હતી અને દાખલ દર્દીઓને તાત્કાલીક બહાર કાઢી ખુલ્લામાં સારવાર શરૂ કરાઇ હતી.
  • સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ગંભીરતાને જોતા સરકારે પાંચ સભ્યોની ટીમ રચી તપાસના આદેશ આપી સાંત દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતુ.
  • ગત રોજ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના ICUમાં પણ ધમણ વેન્ટીલેટર સહીત ચાર વેન્ટીલેટર ઉપયોગમાં હતા
  • આગનુ નક્કર કારણ જાણવા FSLની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી
  •  6, ઓગસ્ટ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 દર્દીઓના મોત
  • 25 ઓગસ્ટ જામનગર જીજી હોસ્પિટલ આગની ઘટના  
વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો રિપોર્ટ આવી ગયો હોત તો આજે રાજકોટમાં અગ્નિકાંડમાં 5 દર્દીઓએ જીવ ના ગુમાવવો પડ્યો હોત
ઘમણ વેન્ટીલેટરમાં શોર્ટસર્કિટને પગલે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડમાં આગ ફાટી નિકળી હતી

WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારીમાં પોઝિટીવ દર્દીઓને બચાવવા માટે સરકારે મોટે ઉપાડે ધમણ વેન્ટીલેટરની ખરીદી કરી તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. કેટલીક હદે નિષ્ફળ ગયેલા ધમણ વેન્ટીલેટર અનેક ફરીયાદ થતાં રાજ્ય સરાકરે તેનો ઉપયોગ નહી થાય તેવો દાવો કર્યો હતો. પરંતુ ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ સયાજી હોસ્પિટલ સરકારી ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલના ICUમાં ધમણ વેન્ટીલેટરના કારણે જ આગ ભભૂકી હોવાના પુરાવા મળ્યાં હતા. જોકે આ મામલે સરકારે પાંચ સભ્યોની કમિટીની રચના કરી સાત દિવસના રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. પરંતુ આ મામલે હજી સુધી રિપોર્ટ આવ્યો નથી અને કોઇ નક્કર કાર્યવાહી પણ કરાઇ નથી. ત્યારે ગત મોડી રાત્રે રાજકોટની ઉદય હોસ્પિટલમાં ધમણ સહીત ત્રણ વેન્ટીલેટરનો ઉપયોગ કરાતો હોવાનુ સામે આવ્યું છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો રિપોર્ટ આવી ગયો હોત તો આજે રાજકોટમાં અગ્નિકાંડમાં 5 દર્દીઓએ જીવ ના ગુમાવવો પડ્યો હોત
રાજકોટ હોસ્પિટલમાં આગની ઘટનાની તસ્વીર

રાજકોટની ઉદય હોસ્પિટલને ડેડેકીટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેવામાં ગત મોડી રાત્રે ICUમાં લાગેલી આગમાં 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હોસ્પિટલના ઇન્ટરવેન્સનિસ્ટ ડો. તેજસ કરમટાએ આ મામલે જણાવ્યું હતુ કે, અમારી હોસ્પિટલમાં કુલ 33 દર્દી દાખલ હતા, જેમાં અમે 27 દર્દીને બચાવવામાં અમને સફળતા મળી છે. અમે 5 દર્દી રેસ્ક્યૂ કરી શક્યા નથી. આવી ઘટના વારંવાર બનવાનું કારણ શોર્ટસર્કિટ હોય છે. ક્યાંક ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રિક ગેઝેટમાં શોર્ટસર્કિટ થતું હોય છે. ICU હોય છે એ એકદમ પેક હોય છે. આથી એમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે, આથી તરત આગ પકડી લે છે, એટલે આવી ઘટના વારંવાર બનતી હોય છે. અમે ત્રણ કંપનીનાં વેન્ટિલેટર ઉપયોગ કરતા, તેમાં હેમિલ્ટન, સ્કેનરેક એલ એન્ડ ટી અને ધમણ.

જ્યારે હોસ્પિટલના જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી અશોકકુમાર કેશવલાલ મહેતા જણાવે છે કે, આ ખૂબ જ દુખઃદ ઘટના છે. જે લોકો સંચાલન કરતા હતા ત્યારે તેમનો સ્ટાફ અને માણસ ત્યાં કામ કરતા હતા. બિલ્ડીંગ અમારૂ છે, હોસ્પિટલ ચાલુ કરવાની અમારા દ્વારા પહેલા ના પાડવામાં આવી હતી. એટલે ના પાડી હતી કે, અમે સંચાલન કરી શકીયે તેમ નથી, ત્યારબાદ જિલ્લા કલેક્ટરની હોસ્પિટલના ટ્રસ્ટના હોદ્દેદારો સાથે મીટીંગ થઇ હતી. મીટીંગમાં કલેકટરે જણાવ્યું હતુ કે, રાજકોટમાં કોરોનાના કેસ વધતા જાય છે, એટલે પ્રી-પ્લાન તરીકે તમારી બિલ્ડીંગની જરૂરીયાત છે. ત્યારે અમે કહ્યું હતુ કે, અમે સંચાલન કરવા માંગતા નથી, જેથી બિલ્ડીંગ કોવિડ માટે ડોકટરોને આપવામાં આવી હતી.

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નીકાંડને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સયાજી હોસ્પિટલની જેમ ફરી એક તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. બનાવની ગંભીરતને જોતા આગનુ મુખ્ય કારણ શોધવા માટે એફ.એસ.એલની ટીમ હોસ્પિટલે પહોંચી છે. જોકે ગત તા. 8 સપ્ટેમ્બરે સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો હજી સુધી રિપોર્ટ આવ્યો નથી. જો રિપોર્ટ આવી ગયો હોત તો તેના આધારે હોસ્પિટલવના ICU વોર્ડમાં શુ ફેરબદલ કરવા તેનો અંદાજો લગાવી શકાત અને ઉદય હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. પરંતુ સયાજી હોસ્પિટલ, અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને જામનગરની જી.જી હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ પણ સરકાર કે તંત્રના પેટનુ પાણી હલ્યુ નહી અને આખરે ફરી એક વખત ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાતા પાંચ દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જો આ વખતે  પણ ચોક્સાઇ પુર્વક સમયસર કામગીરી નહિ કરવામાં આવે તો સરકારની વહીવટી કામગીરીને લઇને અનેલ સવાલો ઉઠશે. વડોદરામાં થયેલી આગની ઘટના પરથી બોધપાઠ લીધો હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત.

#SSG #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud